હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગરના બોરતળાવ ખાતે ભારતીય વાયુસેના દ્વારા તા. 1/11/2026 ના રોજ યોજાનારા ભવ્ય ‘સૂર્ય કિરણ એર શો’ના રિહર્સલ દરમિયાન વાયુસેનાના જવાનોના અદભુત સાહસ, શૌર્ય, શિસ્ત અને આકાશી કૌશલ્યની રોમાંચક ઝલક જોવા મળી હતી.
ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ ‘સૂર્ય કિરણ એરોબેટિક ટીમ’ દ્વારા આકાશમાં વિવિધ પ્રકારના હવાઈ કરતબો અને અદભુત ફોર્મેશનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આકાશમાં વિમાનોની ગતિ, ચોકસાઈ, તાલમેલ અને પાઇલટ્સની કુશળતાએ એર શોના રિહર્સલને યાદગાર બનાવ્યો હતો.
એર શોના રિહર્સલ દરમિયાન વિમાનો દ્વારા આકાશમાં વિવિધ આકર્ષક રચનાઓ કરવામાં આવી હતી. વિમાનોના એકસાથે ઉડાન ભરવાના અને અદભુત ફોર્મેશન રચવાના દૃશ્યોએ ઉપસ્થિત લોકોમાં રોમાંચ જગાવ્યો હતો.
આ રિહર્સલ દ્વારા ભારતીય વાયુસેનાના જવાનોની સખત તાલીમ, અદભુત કૌશલ્ય અને દેશની સુરક્ષા માટેની તેમની પ્રતિબદ્ધતાની ઝલક જોવા મળી હતી.
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા એ ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ નિહાળ્યું હતું તેમજ જણાવ્યું હતું કે બોરતળાવ ખાતે તા. 1/11/2026 ના રોજ યોજાનારા આ ભવ્ય એર શો દ્વારા ભાવનગરના નાગરિકોને ભારતીય વાયુસેનાની વીરતા, પરંપરા, શિસ્ત અને પ્રતિષ્ઠાનો નજીકથી પરિચય કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આયોજન યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવના અને દેશભક્તિને નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રેરણારૂપ બની રહેશે તેમજ ભાવનગરના નાગરિકોને એર શો નિહાળવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.
આ તકે ધારાસભ્ય શ્રીમતી સેજલ બેન પંડ્યા, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડો. નરેન્દ્રકુમાર મીના, આગેવાન શ્રી દિવ્યેશભાઈ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી સહિત પદાધિકારીઓ – અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
