હિન્દ ન્યુઝ, દાહોદ
જિલ્લા સ્તરે ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે TEJAS (Transforming Entrepreneurial Journeys Across States & Districts) પહેલ અંતર્ગત તા. 30 જુલાઈ, 2026ના રોજ દાહોદ ખાતે જિલ્લા સ્તરીય ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શ્રીવન રિસોર્ટ, પી.એચ.સી. સેન્ટર નજીક, નગરાળા, દાહોદ ખાતે યોજાશે.
આ વર્કશોપનું સંયુક્ત આયોજન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), દાહોદ, સ્ટાર્ટઅપ એસોસિએશન, ગુજરાત સરકાર તથા સ્ટાર્ટઅપ ઇન્ડિયા (DPIIT), ભારત સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ જિલ્લામાં ઉદ્યોગ સાહસિકતા અંગે જાગૃતિ લાવવાનો, નવીન વિચારોને પ્રોત્સાહન આપવાનો તેમજ વિદ્યાર્થીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને સરકારી તંત્રને એક જ મંચ પર લાવવાનો છે.
વર્કશોપ દરમિયાન ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વિવિધ પહેલ, દાહોદ જિલ્લાના વ્યવસાયિક તકો, નાણાકીય સહાય યોજનાઓ અને સફળ ઉદ્યોગ સાહસિકોના અનુભવો અંગે વિશેષ સત્રો યોજાશે.
કાર્યક્રમમાં સંયુક્ત ઉદ્યોગ કમિશનરશ્રી આર.ડી. ભારદ્વાજ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મહાપ્રબંધકશ્રી ધનશ્યામ ચાવડા, સ્ટાર્ટઅપ ઇન્ડિયાના પ્રતિનિધિઓ, બેન્કિંગ ક્ષેત્રના અધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
ભાગ લેનારાઓને ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની માન્યતા, ભંડોળ સહાય, ઇન્ક્યુબેશન સપોર્ટ, માર્કેટ એક્સેસ તેમજ વિવિધ સરકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. ઉપરાંત, નિષ્ણાતો અને વિવિધ હિતધારકો સાથે નેટવર્કિંગ કરવાની તક પણ મળશે.
ગુજરાત સરકાર રાજ્યમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે. TEJAS જેવી પહેલો દ્વારા યુવાનોને સ્વરોજગાર માટે પ્રેરણા મળી રહી છે તેમજ સ્થાનિક સ્તરે નવીન સ્ટાર્ટઅપ્સને વિકાસ માટે અનુકૂળ વાતાવરણ મળી રહ્યું છે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા દાહોદ જિલ્લા તથા આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ સ્થાપકો, MSMEs, ઇનોવેટર્સ અને રસ ધરાવતા નાગરિકોને આ વર્કશોપમાં જોડાઈ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે ઉપલબ્ધ તકોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
