જળપ્લાવિત વિસ્તારો કુદરત તરફથી સમગ્ર જીવસૃષ્ટિને મળેલી અમૂલ્ય ભેટ

વિશ્વ વેટલેન્ડ દિવસ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

    બીજી ફેબ્રુઆરીના રોજ વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવે છે. જળપ્લાવિત વિસ્તારો જેવા કે નદી, સરોવરોના સંરક્ષણ અને જાળવણી અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર આ દિવસ ઉજવાય છે. ઈરાનમાં ર ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ રામસર કન્વેન્સન ઓક વેટલેન્ડનું આયોજન થયું હતું ત્યારથી દર વર્ષે આ દિવસને વેટલેન્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં ગુજરાત જળપ્લાવિત પ્રદેશની દ્રષ્ટીએ સૌથી સમૃદ્ધ રાજ્ય છે. જળપ્લાવિત વિસ્તારો કુદરત તરફથી સમગ્ર જીવસૃષ્ટિને મળેલી અમૂલ્ય ભેટ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણ-સંવર્ધન માટેના સંનિષ્ઠ પ્રયાસોના કારણે રાજ્યમાં 4 રામસર સાઇટ્સ સહિત યાયાવર પક્ષીઓના સ્વર્ગ સમાન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા અનેક સમૃદ્ધ જળપ્લાવિત વિસ્તારોનો વિકાસ થયો છે. ગુજરાતની ભૂમિ અનેક જળપ્લાવિત વિસ્તારો – વેટલેન્ડથી સમૃદ્ધ છે. દુનિયાભરથી હજારો યાયાવર પક્ષીઓ દર વર્ષે આ વિસ્તારોને પોતાનું આશ્રયસ્થાન બનાવે છે. એક આખી વૈવિધ્યપૂર્ણ જૈવસૃષ્ટિ તેની પર નભે છે. લોકોને પ્રશ્ન થાય કે આ વેટલેન્ડ એટલે શું ? સામાન્ય ભાષામાં કહીએ તો વર્ષનાં અમુક ચોક્કસ સમયગાળા દરમ્યાન કે બારેમાસ પાણીથી ભરેલો રહેતો એવો વિસ્તાર કે જેનું પોતાનું આગવું પરિસરતંત્ર(ઈકોલોજી) વિકાસ પામ્યું હોય તેને વેટલેન્ડ (જલપ્લાવિત વિસ્તાર) કહે છે. વેટલેન્ડ વિવિધ પ્રકારનાં જીવો માટે એક આદર્શ રહેઠાણ છે. સુક્ષ્મ જીવાતોથી લઈને છોડવાઓ, ઉભયજીવીઓ, રેપ્ટાઈલ્સ, માછલીઓ, સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ માટે જરૂરી પર્યાવરણ પૂરુ પાડે છે. અને જીવો જીવસ્ય ભોજનમ સ્વરૂપે તેમની આહારશ્રુંખલા જળવાયેલી રહે છે. નાગરિકો પોતાની આસપાસના પર્યાવરણ, સજીવસૃષ્ટિ અને પાણીનાં સ્ત્રોતો જેવા વિષયમાં રસ લેતા થાય તો પૃથ્વી માતાનાં જતનની આપણી જવાબદારી નિભાવવા સાથે આવનારી પેઢીઓને પણ સુંદર વિશ્વની ભેટ આપણે આપી શકીએ. ત્યારે આવો, આજના વેટલેન્ડ દિવસના અવસરે પ્રકૃતિ અને પર્યાવરણની આ વિશિષ્ટ ઇકોસિસ્ટમના મહત્વ બાબતે જાગૃત થઈએ તથા તેની જાળવણી માટે પ્રતિબદ્ધ બનીએ.

Related posts

Leave a Comment