હિન્દ ન્યુઝ, સુરત
મહુવા-વાલોડ-બારડોલી વિધાનસભા વિસ્તારના મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ રૂ.૩૦૦ લાખથી વધુની રકમના ખર્ચે તૈયાર થનારી ત્રણ મહત્વકાંક્ષી ઉદ્વહન સિંચાઈ યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું.
અંબિકા તાલુકાના ગુણસવેલ ખાતે રૂ.૮૧.૭૧ લાખના ખર્ચે ગુણસવેલ ઉદ્વહન સિંચાઈ યોજના, રૂા.૧૩૮ લાખના ખર્ચે અંબિકાના વસરાઈ ખાતે ઉદ્વહન સિંચાઈ યોજના તથા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાલોઠા ગામે રૂા.૭૯.૯૭ લાખના ખર્ચે નાલોઠા ઉદ્વહન સિંચાઈ યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ત્રણેય યોજનાઓમાં કુલ રૂ.૩૦૦ લાખનો ખર્ચ થશે.
ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, આ ત્રણેય ઉદ્વહન સિંચાઈ યોજનાઓ પૂર્ણ થવાથી અંબિકા અને વાલોડ તાલુકાના અનેક ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. જેનાથી કૃષિ ઉત્પાદનમાં વધારો થશે. આ સરકાર સૌને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કટિબધ્ધતા સાથે કાર્ય કરી રહી છે. આવનારા સમયમાં પણ અનેકવિધ યોજનાઓ દ્વારા ખેડુતોને સિંચાઈની સગવડ ઉપલબ્ધ કરવાની પ્રતિબધ્ધતા ધારાસભ્યએ વ્યકત કરી હતી.
આ અવસરે ગુણસવલ, વસરાઈ અને નાલોઠના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
