બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને માન-સન્માન આપવા, મહિલાઓની શક્તિને ઉજાગર કરવા ૮ મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ બોટાદ સ્થિત નાનાજી દેશમુખ હોલ, નગરપાલિકા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને તેમજ મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન સુ. હંસાબેન મેરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રની અંદર – ગુજરાતમાં સ્ત્રીસશકિતકરણ માટે રાજ્ય સરકારે ખૂબ મોટા પ્રમાણમાં બજેટો ફાળવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં યોજનાઓ આપી છે. ગામડાંની બહેનો શિક્ષિત બની શકે, રોજગારી મેળવી શકે પોતે પગભર રહી શકે તેમજ ઘર, કુંટુબ સારી રીતે ચલાવી શકે તથા સામાજિક રીતે પણ પોતાની અનેકવિધ જવાબદારીઓ સંભાળી શકે તેવા ભાવથી રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આજે મહિલાઓમાં જાગૃત્તા આવે તે માટે રાજ્ય સરકાર ખૂબ મોટા કાર્યક્રમો કરી રહી છે આવા કાર્યક્રમો થકી મહિલાઓને પ્રોત્સાહન મળે, અનેકવિધ યોજનાઓથી માહિતગાર બને તેમજ તેનો બહોળા પ્રમાણમા લાભ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર કાર્યક્રમોની ઉજવણી કરી રહી છે. સરકારી ભરતીઓમાં ૩૩ ટકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ૫૦ ટકા મહિલા અનામત રાખવામાં આવી છે. આજે દરેક કચેરીઓમાં મહિલાઓ અધિકારી – કર્મચારી તરીક તેમજ પદાધિકારી તરીકે પણ ફરજ બજાવી પોતની જવાબદારી નિભાવી રહી છે. મહિલાઓને કોઈ પણ રજૂઆત હોય તો તે સરળતાથી સંકોચ કર્યા વગર મહિલા અધિકારી – પદાધિકારીને કહી શકે છે. સમાજના ઘડતર માટે મહિલાઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. બાળકના શિક્ષણના ઘડતર પાછળ માં ની મોટી જવાબદારી રહી છે. બાળકો ખોટા વ્યસનોથી દૂર રહે તેને પાછા વાળવાની જવાબદારી મહિલાની રહી છે. શાળાના ઘડતર માટે, સારા રાજ્યના ઘડતર માટે ને સારા રાષ્ટ્રના ઘડતર માટે કોઈ પાયાનું કામ હોય તો તે મહિલા કરી શકે છે. અને બાળકને સારી ઉંચાઈ પર લઈ જવા માટે માં ની ખૂબ મહેનત હોય છે તેમ વધુમાં ઉમેરી દરેક ઉપસ્થિત મહિલાઓનો તેમજ સુંદર કાર્યક્રમ કરવા બદલ આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી ધારાબેન પટેલે તેમજ નાયબ કલેકટર રાજેશ્રી વંગવાણીએ પ્રસંગને અનુરૂપ દેશના ઘડતરમાં ફાળો આપનાર મહિલાઓ તેમજ વિવિધ સરકારની યોજનાઓ વિશે ઝાંખી કરાવી હતી.
આ કાર્યકમ અંતર્ગત મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મા યશોદા એવોર્ડ, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા યોજનાના લાભોનું તેમજ પુરસ્કાર વિતરણ, સન્માન કાર્યક્રમ તથા વિવિધ યોજનાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સ્વાગત વિધિ બરવાળા સી.ડી.પી.ઓ. દક્ષાબેને તેમજ આભારવિધિ મહિલા અને બાળક્લ્યાણ વિભાગના ફાલ્ગુનીબેને કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર બિજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, દહેજપ્રતિબંધક અધિકારી હેતલબેન દવે સહિતના અધિકારી તેમજ મહિલા અને બાળક્લ્યાણ વિભાગના અધિકારી કર્મચારીઓ તથા જિલ્લા પંચાયત, નગરપાલિકા બોટાદના મહિલા પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment