હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લામાં દાહોદ ખાતે આવેલ આદિજાતિ મ્યુઝીયમ ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને દાહોદમાં પ્રગતિ અને નવીનતા લાવવાના હેતુથી એક પહેલ રૂપે સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ દરમ્યાન ગરબાડા તાલુકાને આકાંક્ષી જિલ્લાની શ્રેણીમાંથી બહાર લાવી ગરબાડા તાલુકામાં સર્વાંગી વિકાસ સાધવા માટે સરકારની આ એક આગવી પહેલ કરવામાં આવી રહી છે, ત્યારે આંગણવાડી, આરોગ્ય અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે તેમજ માળખાગત સુવિધાઓ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળ ગુજરાત રાજ્યના કુલ ૧૦ જિલ્લાના ૧૩ તાલુકાઓમાંથી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ સૌ અધિકારીઓને સંબોધતાં કહ્યું હતું કે, સંપૂર્ણતા અભિયાન ૨.૦ માં દાહોદ ઉત્કૃષ્ટ કામગીરી કરીને અગ્રેસર આવે તે માટેના પ્રયાસો કરવાના છે. ગરબાડા તાલુકો આકાંક્ષી બ્લોકમાંથી આદર્શ તાલુકો બને એ તરફ આગળ વધવાનું છે. મહત્વના મુદ્દાઓ પર આવેલ ઈન્ડીકેટરો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી કામગીરી કરવાની જરૂર છે. સાથે એમણે કહ્યું કે, દાહોદના ખેડૂતો જો પ્રાકૃતિક ખેતી કરતા થાય તો લોકોના આરોગ્યમાં પણ સુધારો આવશે.
વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લાના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓની અને આપણી સૌની જવાબદારી છે કે આપણે દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાની શરૂઆત ગરબાડા તાલુકાથી કરીએ સાથે જ ખેતી, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, ICDS સહિતના તમામ વિભાગોને આરોગ્ય, પોષણ, શિક્ષણ, સ્વચ્છતા અને પશુ રસીકરણ જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણતા હાંસલ કરવી.
જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ ગરબાડા તાલુકાને આકાંક્ષી બ્લોક (ABP)ની શ્રેણીમાંથી બહાર લાવી આદર્શ તાલુકો બનાવવા માટે તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને હાકલ કરી હતી. એક ઉત્સાહ સાથે ‘સંપૂર્ણતા અભિયાન 2.0’માં પણ ગરબાડાને અગ્રેસર રાખવાનો લક્ષ્ય છે. આ અભિયાનનો હેતુ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ પાત્ર વ્યક્તિ સુધી પહોંચાડીને સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.
આ અભિયાન અંતર્ગત ICDS વિભાગના ચાર મુખ્ય સૂચકાંકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના અપાઈ હતી. આંગણવાડી કાર્યકર બહેનોને બાળકોના વજન અને ઊંચાઈના માપનમાં ચોકસાઈ રાખવા તથા બાળકોની સંભાળ રાખવા અપીલ કરાઈ હતી. આરોગ્ય ક્ષેત્રે ૧૮ વર્ષથી નીચેના તમામ બાળકો અને કિશોરીઓનું હિમોગ્લોબિન ટેસ્ટિંગ કરવું સાથે કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે જરૂરી પગલા લઇ કામગીરી કરવા માટે સુચન કર્યા હતા.
શિક્ષણ વિભાગમાં દરેક શાળામાં કુમાર-કન્યાઓ માટે અલગ શૌચાલયની સુવિધા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકાયો હતો. શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે ધોરણ ૮માંથી ૯માં પ્રવેશતા બાળકો વંચિત ન રહી જાય તેની કાળજી લેવા શિક્ષકોને તાકીદ કરાઈ હતી. પશુપાલન ક્ષેત્રે ૧૦૦ ટકા રસીકરણનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોનો સક્રિય સહયોગ લેવા પણ માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની પ્રેરક ઉપસ્થિતિ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, અન્ય પદાધિકારીઓ સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
