બોટાદ
“શ્રી જનડા પ્રાથમિક શાળામાં વિજય સાહેબ વિજ્ઞાન વિષય ભણાવે એટલે અમને બધા પ્રયોગો સમજાઈ જાય…” આ શબ્દો છે જનડા પ્રાથમિક શાળામાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના…
આજનો સમય વિજ્ઞાન, ટેક્નોલોજી અને સ્પર્ધાનો સમય છે. એવા સમયમાં શિક્ષણનું માધ્યમ માત્ર શીખવાડવાનું નથી રહ્યું, પણ બાળકના સર્વાંગી વિકાસ તરફ દોરી જતું કાર્ય બની ગયું છે. આપણી સરકારી શાળાઓમાં આ કાર્ય બખૂબીથી થઈ રહ્યુ છે.
શ્રી જનડા પ્રાથમિક શાળામાં કાર્યરત શિક્ષક વિજયકુમાર મકવાણાને તાજેતરમાં શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત ગઢડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
શિક્ષકએ પોતાના અનુભવ અંગે જણાવે છે કે, “પ્રોજેક્ટ પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, તેમજ પ્રવૃત્તિલક્ષી શિક્ષણને મહત્વ આપીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપું છું. વિજ્ઞાનના પ્રયોગો સમજાવવા હોય તો તેનું પ્રેક્ટિકલ કરીને બાળકોને માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ પણ વધુ સારી રીતે સમજી શકે છે. બાળકોને જો સરળ રીતે સમજાવવામાં આવે તો તેમને દરરોજ કંઈક નવું શીખવા મળે છે અને તેમને શાળાએ મુક્તમને આવવું ગમે છે. વિદ્યાર્થીઓની પ્રકૃતિ સાથે મિત્રતા કેળવાઈ તે માટે પણ અમારી શાળામાં નિરંતર પ્રયોગો કરવામાં આવે છે. ગત વર્ષે મોક્ષ મંદિરમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 1100 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી હું બેગલેસ ડે પ્રવૃતિઓ માટે નોડલ ઓફિસર છું. જેમાં અમે બાળકોને સતત નવું નવું શીખવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.તમામ પ્રવૃત્તિઓ માટે મને અમારી શાળાના આચાર્ય, સરપંચ, વાલીઓ, જિલ્લા શિક્ષણાધિકારી અને મારા વ્હાલા બાળકોનો ખૂબ સહયોગ મળ્યો છે.”
શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, “શાળાના તમામ શિક્ષકો ખૂબ જ ઉત્સાહથી કામ કરી રહ્યાં છે. વેકેશન કે રજાના દિવસોમાં પણ શિક્ષકો બાળકોને અભ્યાસ કાર્ય કરાવે છે. શિક્ષક વિજયભાઈ મકવાણા પણ ખૂબ જ ખંતથી બાળકોને અભ્યાસકાર્ય કરાવે છે. તાલુકા કક્ષાએ તેમને પુરસ્કાર મળતા તેમને અભિનંદન પાઠવું છું.”
શાળાના વિદ્યાર્થીઓએ પણ શિક્ષક વિજયભાઈનો આભાર માન્યો હતો.
શ્રી જનડા પ્રાથમિક શાળામાં ખાલી જગ્યામાં બાળકોની સહભાગિતાથી કિચન ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. હરિયાળું મેદાન અને ફૂલોના બગીચા તૈયાર કરવા આવ્યા છે. શાળાના મેદાનમાં 200થી વધુ વૃક્ષો વાવીને તેને હરિયાળું બનાવાયું છે. વિદ્યાર્થીઓના સહયોગથી કાળજી લેવામાં આવે છે. પક્ષીઓ માટે પાણીના કુંડા શાળાના મેદાનમાં મૂકવામાં આવ્યા છે. આ તમામ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં પર્યાવરણની જાળવણી માટે સજાગતા, અને સામૂહિક જવાબદારીની ભાવના વિકસાવવામાં સફળતા મળી છે.
દરેક બાળક એક તકો ભરેલું બીજ છે, શિક્ષકોની ભૂમિકા છે તેને યોગ્ય માટી, પાણી અને પ્રકાશ આપવાની.અને જ્યારે એ બીજ ખીલે છે, ત્યારે તેની સુગંધ સમગ્ર સમાજમાં પ્રસરે છે. ત્યારે શિક્ષકો બાળકોનું ભવિષ્ય ઘડતરનું કાર્ય કરી રહ્યા છે.
