હિન્દ ન્યુઝ, ડાંગ
જંગલો અને પર્વતોની વચ્ચે કુદરતના ખોળે વસતા આદિવાસી સમાજની જીવનશૈલી અને રીત રિવાજો અનોખા અને અનોખા છે. આદિવાસી પ્રદેશના મેળાઓ પણ અદભુત અને અનોખા હોય છે.
ગુજરાતમાં ગણી-ગાંઠી જગ્યાએ આવા મેળાઓ ભરાય છે. જેમાં શિરમોર છે ‘ડાંગ દરબાર’.
ડાંગ જિલ્લામાં હોળી પર્વનું મોટું માહાત્મ્ય છે. ‘ડાંગ દરબાર’નો સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળી પહેલા જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાય છે. સને ૧૮૪૨ સુધી ડાંગ જિલ્લાનો વહીવટ ભીલ રાજાઓ અને નાયકો કરતાં. એજ વર્ષમાં ડાંગના જંગલના પટ્ટાઓ બ્રિટિશરોને આપવામાં આવ્યા. ભીલ રજાઓ અને નાયકોને પટ્ટાના હક્ક બદલ અને પછી વાર્ષિક વર્ષાસન સ્વરૂપે આપવાની થતી રકમ દર વર્ષે ભીલ રાજાઓ, નાયકો તેમના ભાઈબંધો, પોલીસ પટેલો અને કારભારીઓને ‘ડાંગ દરબાર’ ભરીને અર્પણ કરવામાં આવતી.
દરબાર યોજવા પાછળનો બ્રિટિશરોનો મુખ્ય આશય ડાંગી રાજાઓ, નાયકો તથા લોકો એક જ જગ્યાએ એકત્ર થાય તે માટેનો હતો. આહવાની આજુબાજુના લાખો આદિવાસીઓ પાંચ દિવસ ચાલતા ‘ડાંગ દરબાર’માં એકઠા થતાં હતા.
ડાંગ દરબારમાં ડાંગી રાજાઓ, નાયકો તેમજ તેમના ભાઈબંધો રંગબેરંગી પોષાકમાં સુસજ્જ થઈને આવે છે, અને સમગ્ર ડાંગી પ્રજા આદિવાસી સંસ્કૃતિ, ગીત સંગીતની સુરાવલીઓના મધુર અને કર્ણપ્રિય સંગીતમાં તાલે દરબારને ઉલ્લાસમય વાતાવરણમાં પરિવર્તિત કરે છે.
અહીના આદિવાસીઓએ તેમની વિશિષ્ટતા અનુસાર બનાવેલી ચીજ વસ્તુઓને નાશિક, સુરત કે પશ્ચિમના દેશોમાંથી આવેલા પ્રવાસીઓ ખરીદે છે. વિવિધ જૂથો પોતાની નૃત્ય કળા, વાદ્ય અને સંગીત કળાનું નિદર્શન કરે છે. આ મેળાની શરૂઆત રાજવીશ્રીઓની હાજરીમાં ઢોલ નગારા, અને શોભાયાત્રાથી શરૂ થાય છે. પછી કહાળીયા અને પાવરી જેવા વાધ્યોના શૂરોથી વાતાવરણ મધુર બની જાય છે. ડાંગ દરબારમાં દેશવિદેશના સહેલાણીઓ આદિવાસી સંસ્કૃતિ માણવા આવે છે.
ઉત્સવ પ્રિય ડાંગી આદિવાસી પ્રજા માટે મહત્વનો ઉત્સવ એટલે આ ‘ડાંગ દરબાર’ છે.
