વડોદરા ઉપરાંત ભરૂચ અને નર્મદાના શિક્ષકોને એઆઇ અને રોબોટિક્સની તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, વડોદરા 

     બાળકોને વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિષયોમાં રસરુચિ વધે એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરાયેલી જોગવાઇઓને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા હવે શિક્ષકોને આ પ્રકારની તાલીમ આપી સજ્જ કરી રહી છે. એ અંતર્ગત પીએમ શાળાના શિક્ષકો માટે ઝોન કક્ષાએ એઆઇ અને રોબોટિક્સની તાલીમ આપવામાં આવી હતી. 

સંયોજનકર્તા મુકેશ શર્માએ જણાવ્યું કે, પીએમશ્રી શાળાના શિક્ષકોને તાલીમ આપવા માટે એક કાર્યશાળામાં આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન કક્ષાએ વડોદરા, વડોદરા કોર્પોરેશન, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જેમાં રાજ્ય કક્ષાએથી ટ્રેનીગ મેળવેલ નિષ્ણાત તજજ્ઞો એવા કિંજલબેન મિસ્ત્રી, મોનીકાબેન સોની અને સાગરભાઈ ચૌધરીએ તાલીમાર્થીઓને બંને દિવસ થીયોરીટીકલ અને પ્રેક્ટીકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિક્ષકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સની વિવિધ મોડેલ સમજાવવામાં આવ્યા હતા. બ્રેડબોર્ડ, હોલ જમ્પર, પિક્ટોબ્લોક સહિતના વિષયો ઉપર તાલીમ આપવામાં આવી હતી. 

આ ઉપરાંત સામાન્ય ઇન્ટરનેટ કનેક્શનથી જનરેટિક એઆઇ થકી શિક્ષણને કેવી રીતે વધુ આસાન અને સરળ બનાવી શકાય એ બાબતોની પણ તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યશાળામાં કુલ ૪૫ આચાર્યો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. 

આગામી સમયમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવ્યા મુજબ વિધાર્થીઓને એઆઇ અને રોબોટિક્સ કિટના સાધનોના ઉપયોગથી બાળકોને ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી વિષયમાં રસ અને રૂચી વધે, બાળક જાતે સ્વ પ્રયત્ન દ્વારા એન્જિનિયરિંગ બાબતોનું પણ જ્ઞાન પ્રાપ્ત કરે તે જરૂરી છે. 

આ તબક્કે જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર મહેશ પાંડે એ તમામ તાલીમાર્થીઓને પીએમ શાળામાં વિદ્યાર્થીઓને એઆઇ અને રોબોટિક્સનો ખ્યાલ સ્પષ્ટ કરાવવા તેમજ તેની ઉપયોગીતા વિશે વિગતવાર સમજ આપવામાં આવે તેવો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. 

આ તાલીમમાં બીજા દિવસે અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન માંથી ગાયત્રીબેન કૌલની ટીમે ઉપસ્થિત રહી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. 

ઝોન કક્ષાના આ તાલીમ વર્ગનું સમગ્ર આયોજન રાકેશ સુથાર, એડીપીસી, સમગ્ર શિક્ષા, વડોદરા એ કર્યું હતું, જેનું સફળ સંચાલન સી.આર.સી કો-ઓર્ડીનેટર મનોજ જોષી દ્વારા કરવામાં આવ્યું.

Related posts

Leave a Comment