સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત

સુરત શહેર રોડ સેફ્ટી કાઉન્સિલની સમીક્ષા બેઠક શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌતના અધ્યક્ષસ્થાને કમિશનર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.

              બેઠકમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, માર્ગ સલામતી માટે જે તે વિભાગને સોંપવામાં આવેલી કામગીરી સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય તે અનિવાર્ય છે. શહેરમાં જ્યાં પણ ખોદકામની કામગીરી ચાલતી હોય ત્યાં આજુબાજુ વ્યવસ્થિત બેરિકેટિંગ કરવા તથા રાત્રિના સમયે વાહનચાલકોની સુરક્ષા માટે રિફ્લેક્ટર મૂકવાની કડક સૂચના તેમણે પાલિકાના અધિકારીઓને આપી હતી. માર્ગ સલામતી માટે શહેરના ‘બ્લેક સ્પોટ’ (અકસ્માત સંભવિત વિસ્તારો) નિવારવા બાબતે લેવાયેલાં પગલાંની વિગતો આપતા પાલિકાના અધિકારીએ જણાવ્યું કે, કૈલાશ નગર ખાતે બી.આર.ટી.એસ.ની રેલિંગ ઊંચી કરવામાં આવી છે જયારે સિદ્ધાર્થનગર ખાતે રબર સ્પીડ બમ્પ અને લેન્ડ માર્કિંગ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે પર સચિન જી.આઈ.ડી.સી. તથા ઈચ્છાપોર એન.ટી.પી.સી. બ્રિજ પરના બ્લેક સ્પોટ નિવારવા માટે જરૂરી કાર્યવાહી કરવા હાઈવેના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો હતો. 

        શહેરમાં વાહનોમાં ગેરકાયદેસર રીતે વપરાતી વ્હાઈટ એલ.ઈ.ડી. લાઈટ વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવેલી દંડનીય કામગીરીની વિગતો ટ્રાફિક પોલીસ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આર.ટી.ઓ. દ્વારા રોડ સેફ્ટી માસ દરમિયાન જનજાગૃતિ માટે થયેલી કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. જાન્યુઆરી માસ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે ૨,૬૭૯ કેસ નોંધીને રૂ.૬૧ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હોવાની વિગતો આપવામાં આવી હતી.

          આ બેઠકમાં સંયુક્ત પોલીસ કમિશનર, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એચ.એમ. પટેલ, મહાનગરપાલિકા, નેશનલ હાઈવે ઓથોરિટી, આરોગ્ય તથા માહિતી વિભાગના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment