હિન્દ ન્યુઝ, ધરમપુર
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગરની પ્રેરણા થકી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ દ્વારા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર સાથે સંયુક્ત ઉપક્રમે તારીખ 23 અને 24 ફેબ્રુઆરી 2026 ના રોજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે બે દિવસનો જિલ્લા કક્ષાનો STEM આધારિત સંકલિત વિજ્ઞાન શિક્ષણ વિષયનો સેવાકાલીન શૈક્ષણિક પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના 47 જેટલા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશભાઈ અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સાયન્સ કમ્યુનિકેટરની ટીમ દ્વારા તજજ્ઞ તરીકેની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યશાળામાં ધોરણ 6 થી 8 નાં વિજ્ઞાન અને ગણિત અભ્યાસક્રમ પર આધારિત કુલ 20 થી વધુ બહુવિધ કૌશલ્ય અને સિદ્ધાંતો સંબંધિત પ્રવૃત્તિઓ અને તે અંતર્ગત મોડેલ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. આ માટે કુશળતા પૂર્વક તૈયાર કરવામાં આવેલ કાચી સામગ્રી અને સહાયક સાધનો જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આગોતરું આયોજન કરીને તૈયાર રાખવામાં આવ્યા હતા. દરેક શિક્ષકે જાતે નિર્માણ કરેલ આશરે 10 જેટલાં નાનાં મોટાં TLM તથા વૈજ્ઞાનિક નમૂનાઓ પોતે પોતાની શાળાના ઉપયોગ માટે લઇ જઈ શક્યા હતા. આ ઉપરાંત સાયન્સ પાર્કમાં સહભાગી શિક્ષકોઓ દ્વારા જીવવિજ્ઞાન સંબંધિત પ્રયોગ પણ હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રશિક્ષણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડના પ્રાચાર્ય મહેન્દ્રભાઈ આર. પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શિક્ષકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યાં હતા.

જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા શિક્ષકોને સતત માર્ગદર્શિત કરતા રહી વૈજ્ઞાનિક અભિગમની સાથે જીવનમાં અને શાળામાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રકારની કાર્યશાળામાં પ્રથમ વખત ભાગ લેનાર શિક્ષકોએ ઉત્સાહજનક પ્રતિભાવો આપ્યા હતા. બંને દિવસના કુલ 12 કલાકના શૈક્ષણિક સત્રોમાં પ્રજ્ઞેશભાઈની સાથે તજજ્ઞ તરીકે સાયન્સ કમ્યુનિકેટર વિભૂતિ પટેલ, જૈમિની પરમાર, દીપ પટેલ અને સાગર પટેલ દ્વારા સક્રિય રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશેષ પ્રવાહી નાઈટ્રોજન શો અને દિવસ અને રાત્રિનાં આકાશ દર્શન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરની ટીમના સદસ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
વલસાડ જીલ્લા બ્યુરોચીફ : મહેશ ટંડેલ

