રિલાયન્સ બાદ જામનગર કલેક્ટર કચેરી અને ક્રિસ્ટલ મોલ ખાતે પણ રાષ્ટ્રીય કક્ષાની હાઈ-લેવલ ‘મોકડ્રીલ’ યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર 

     જામનગર રિલાયન્સ રિફાઈનરીમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ બાદ જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના બીજા માળે તેમજ શહેરના વ્યસ્ત એવા ક્રિસ્ટલ મોલ ખાતે આ જ પ્રકારની આતંકવાદ વિરોધી ‘મોકડ્રીલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કવાયત દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્રએ સંભવિત કટોકટી સામે પોતાની સજ્જતા અને ત્વરિત પ્રતિસાદનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

આજના ઓપરેશનમાં કલેક્ટર કચેરીના બીજા માળ પર તથા ક્રિસ્ટલ મોલની અંદર ૭ આતંકવાદીઓ દ્વારા હુમલો કરી ૧૨ જેટલા નાગરિકોને બાન પકડવાની સ્થિતિનો ‘ડમી’ સિનારીયો ઊભો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), ચેતક કમાન્ડો, પોલીસ તંત્ર અને ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા આ સંવેદનશીલ સ્થળોને કોર્ડન કરવામાં આવ્યા હતા. જાનમાલને કોઈ જ નુકશાન ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક બુલેટ પ્રુફ વાહનો, ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ સહિતના અદ્યતન સાધનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આતંકી ઘટના અંગેનો મેસેજ મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં તમામ સંબંધિત વિભાગોના કાફલાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

વ્યૂહાત્મક રીતે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન બંન્ને સ્થળનો વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. સુરક્ષા દળો તથા કમાન્ડો દ્વારા અત્યંત કુશળતાપૂર્વક આતંકી કાવતરું નિષ્ફળ બનાવી તમામ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને તમામ ૧૨ હોસ્ટેજિસને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. કલેકટર કચેરી ખાતે સાંજે ૬:૪૮ કલાકે શરૂ થયેલી આ દિલધડક મોકડ્રીલ સતત ૫ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને રાત્રે ૧૨:૨૦ કલાકે પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.જ્યારે ક્રિસ્ટલ મોલ ખાતે રાત્રે ૧૧.૪૫ કલાકે શરૂ થયેલી મોકડ્રિલ રાત્રે ૩.૨૦ કલાકે પૂર્ણ થઈ હતી.

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા તમામ વિભાગો વચ્ચે ગણતરીની ઘડીઓમાં સંકલન સાધવામાં આવ્યું હતું. રિલાયન્સ બાદ જાહેર સ્થળ એવા કલેકટર કચેરી અને ક્રિસ્ટલ મોલ ખાતે યોજાયેલી આ મોકડ્રીલનો થકી સુરક્ષા વ્યવસ્થાની ગહન ચકાસણી કરાઈ હતી અને વિવિધ એજન્સીઓ વચ્ચેના તાલમેલને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો હતો.

Related posts

Leave a Comment