રાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીની સરાહનીય કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ

ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે સતત પ્રયાસશીલ છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં અનુસૂચિત જાતિના સર્વાંગી ઉત્કર્ષ માટે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા નાગરિકોને મદદરૂપ થવા માટે નમૂનેદાર કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક સી. એન. મિશ્રાએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિના લોકોએ સરકારી લાભો મેળવવા માટે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક છે. વર્ષ ૨૦૨૨-‘૨૩માં રાજકોટ જિલ્લાના અનુસૂચિત જાતિના ૧૩૯૭ લોકોને બારકોડેડ જાતિ પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર મેળવવા ઈચ્છુકે કચેરીમાં રૂબરૂ અથવા ઓનલાઈન અરજી કરવાની રહે છે. ઉલ્લેખનીય છે કે અનુસુચિત જાતિના અરજદારોએ જાતિ પ્રમાણપત્ર માટેની અરજી સાથે અરજદારનું છેલ્લી શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા પિતાનું છેલ્લી શાળા છોડયાનું પ્રમાણપત્ર (બંને અસલ તથા પ્રમાણિત નકલ), રેશન કાર્ડ તથા આધાર કાર્ડની પ્રમાણિત નકલ, અરજદારના બે પાસપોર્ટ સાઈઝ ફોટા રજૂ કરવાના રહેશે. પિતા અશિક્ષિત હોય તેવા કિસ્સામાં કાકા/દાદા/મોટા બાપા/ફઈના શાળા છોડયાના પ્રમાણપત્ર તથા જાતિ પ્રમાણપત્ર રજૂ કરી સોગંદનામુ રજૂ કરવાનું રહેશે. ઉકત કોઇ પાસે પ્રમાણપત્ર ન હોય તો અરજદારના સગા ભાઇ/બહેનનું શાળા છોડયાના પ્રમાણપત્ર તથા જાતિ પ્રમાણપત્ર રજૂ કરી સોગંદનામુ રજૂ કરવાનું રહેશે. કાકા/મોટા બાપાના પિતરાઇ ભાઇ/બહેનના કિસ્સામાં શાળા છોડયાનું પ્રમાણપત્ર સાથે પેઢી આંબો અને સોગંદનામું રજૂ કરવાનું રહેશે. વધુ વિગત માટે નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, ૬/૧, બહુમાળી ભવન ખાતે રૂબરૂ સંપર્ક કરી શકાશે.

Related posts

Leave a Comment