2010ના દાયકામાં ઘરઆંગણે ટેસ્ટમાં ભારતની જીતની ટકાવારી 30% વધી, તેમ છતાં વો-પોન્ટિંગની ટીમને માત આપવામાં નિષ્ફ્ળ

ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ટીમને તેના ઘરઆંગણે હરાવી બહુ મોટી વાત કહેવાય. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડનો પ્રવાસ એશિયન ટીમો માટે લાંબા સમય સુધી નિરાશાજનક રહ્યો છે. બીજી તરફ SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) ટીમો એશિયામાં ઘણીવાર હાવી રહી છે. ભારતે તાજેતરમાં બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું હતું અને તે સાથે જ 2010ના દાયકામાં અંતિમ ટેસ્ટ સીરિઝ રમી લીધી હતી. એક નજર કરીએ ભારતના આ દાયકામાં ઘરઆંગણે પ્રદર્શન પર અને પછી તેની સરખામણી 2000ના દાયકાની ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે કરીને જાણીએ કઈ ટીમ ઘરઆંગણે ઓલટાઈમ બેસ્ટ છે.

ભારતે 2010ના દાયકામાં 18માંથી 16 સીરિઝ જીતી
50માંથી 37 ટેસ્ટમાં જીત, 18માંથી 16 સીરિઝમાં જીત અને છેલ્લી રમાયેલી 12માંથી 12એ સીરિઝમાં અજય રહી છે ટીમ ઇન્ડિયા. ભારતને તેના ઘરઆંગણે હરાવવું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી મોટું ટાસ્ક માનવવામાં આવે છે. ભારતીય ટીમ આવતા વર્ષે માત્ર બે ટેસ્ટ સીરિઝ રમવાની છે. એક ન્યૂઝીલેન્ડમાં અને એક ઓસ્ટ્રેલિયામાં. ભારતે ગયા પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત તેના ઘરઆંગણે હરાવ્યું હતું, કાંગારું કોચ જસ્ટિન લેન્ગરે પોતાની ટીમને કહ્યું છે કે, આપણી નજર 3-4 વર્ષ પછી જયારે ભારતને પ્રવાસે જઈએ તેના પર હોવી જોઈએ. તે શ્રેણીમાં જીત આપણને ઓલટાઈમ બેસ્ટ ટીમની સૂચિમાં સ્થાન અપાવશે.

50, 60 અને 80ના દાયકામાં જીતની સરખામણીએ હાર વધુ
ભારતે જાન્યુઆરી 1990થી ડિસેમ્બર 2009 દરમિયાન 38 ટેસ્ટ જીતી હતી. એટલે કે ટીમે તે 20 વર્ષ દરમિયાન 77માંથી 38 મેચમાં જીત મેળવી હતી. જયારે 13માં હારનો સામનો કર્યો હતો. આ દાયકામાં ભારતે 50માંથી માત્ર ચાર ટેસ્ટ ગુમાવી હતી. ભારતે 1933થી ઘરઆંગણે ટેસ્ટની યજમાની કરવાનું શરૂ કર્યું હતું. જોકે નિયમિત રીતે ટેસ્ટ રમવાની શરૂઆત 1950થી થઇ હતી. 1950, 1960 અને 1980ના દાયકામાં ભારતે જીતની સરખામણીએ વધુ મેચ હારી હતી. 1970ના દાયકામાં આંકડા વિપરીત છે કારણકે ત્યારે દેશ પાસે ભગવત ચન્દ્રશેખર, એરાપલ્લી પ્રસન્ન, બિશનસિંહ બેદી અને શ્રીનિવાસ વેન્કટરાઘવન જેવા સ્પિનર્સ અને લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કર જેવા બેટ્સમેન હતા.

2000ના દાયકામાં કાંગારુંએ ભારતને માત આપીને સાબિત કર્યું બોસ કોણ છે
1990ના દાયકાની શરૂઆતથી ભારતીય ક્રિકેટની કહાની બદલાઈ ગઈ છે. તે 90માં એકપણ સીરિઝ હાર્યું ન હતું. જોકે 2000ની શરૂઆતમાં મેચ ફિક્સિંગે ભારતીય ક્રિકેટની છબી બગાડી હતી. હાંસી ક્રોનની કપ્તાનીમાં સાઉથઆફ્રિકાએ ભારતને 2-0થી હરાવ્યું હતું. ભારત 1986 પછી 14 વર્ષમાં પહેલી વાર ઘરઆંગણે કોઈ સીરિઝ હાર્યું હતું. તે પછી કાંગારુંએ પણ 2004/05માં 2-1થી સીરિઝ જીતીને પોતાને ઓલટાઈમ ગ્રેટેસ્ટ ટીમ સાબિત કરી હતી. તે સિવાય પાકિસ્તાન 2005માં, ઇંગ્લેન્ડ 2006માં અને સાઉથ આફ્રિકા 2008માં જીતની નજીક આવ્યા હતા, પરંતુ સીરિઝ 1-1થી ડ્રો રહી હતી.

2010ના દાયકામાં ભારત માત્ર એક સીરિઝ હાર્યું

ભારતે 2010ના દાયકાની શરૂઆત ગ્રીમ સ્મિથની આગેવાનીમાં ભારત આવેલી સાઉથ આફ્રિકાની સૌથી મજબૂત ટીમ સામે કરી હતી. ભારે રસાકસી પછી સીરિઝ 1-1થી ડ્રો રહી હતી. ભારત આ દાયકામાં માત્ર એક સીરિઝ હાર્યું છે, 2012માં એલિસ્ટર કુકની ઇંગ્લેન્ડ સામે 2-1થી. તે સીરિઝમાં ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ હાર્યા પછી વાપસી કરીને ભારત સામે જીત મેળવી હતી. ત્યારબાદ ભારત ઘરઆંગણે એકપણ સીરિઝ હાર્યું નથી. ભારતે તે પછી 34માંથી 28 મેચ જીતી છે અને આ દરમિયાન માત્ર એકવાર 2017માં પુણે ખાતે કાંગારું સામે મેચ ગુમાવી હતી.

સ્ટીવ વો અને રિકી પોન્ટિંગની કાંગારું ટોપ પર

વર્લ્ડમાં એક દાયકામાં મિનિમમ 20 ટેસ્ટ રમનાર ટીમની વાત કરીએ તો ભારતે 2010ના દાયકામાં 74% મેચો જીતી છે. ટેસ્ટમાં 74% સક્સેસ રેટ બહુ મોટી સિદ્ધિ કહેવાય તેમ છતાં તેઓ ઓસ્ટ્રેલિયાની ઓલટાઈમ ગ્રેટ ટીમને પછાડી શક્યા નથી. ઓસ્ટ્રેલિયાએ 2000ના દાયકામાં સ્ટીવ વો અને રિકી પોન્ટિંગ હેઠળ 59માંથી 45 એટલે કે 76.27% મેચો જીતી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ 1974થી 1994 દરમિયાન ઘરઆંગણે એકપણ સીરિઝ હારી ન હતી. 80ના દાયકામાં તો તેમણે 30માંથી 18 મેચ જીતી હતી, જોકે 11 ડ્રોના લીધે તેમનો વિન પર્સન્ટેજ 60 થઇ જાય છે.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment