હિન્દ ન્યુઝ, સાબારકાંઠા
સાબરકાંઠા જિલ્લાના સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ભોલેશ્વર હિંમતનગર ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા અરવલ્લી લોકસભાની જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં અધ્યક્ષા શ્રીમતી શોભનાબેન બારૈયા એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેલ પ્રતિભા ને આગળ લાવવા માટે તેમજ બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખેલ મહાકુંભ, ખેલો ઈન્ડિયા, રમશે ગુજરાત, જીતશે ગુજરાત અમલી બનાવાઈ છે. આજે કરાટે દ્વારા સ્વરક્ષણની તાલીમ લેતા બાળકો અને તેમના વાલીઓ અભિનંદનને પાત્ર છે. સ્વરક્ષણની તાલીમ દરેક બાળક અને બાળકીને મળવી જોઈએ. દીકરીઓ માટે ખાસ સ્વરક્ષણની તાલીમ આપવી જોઈએ. જેથી તે દરેક પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકે. જિલ્લામાં સ્વરક્ષણની તાલીમ આપતા કોચ શ્રી જુજારસિંહ વાઘેલાની સેવાને બિરદાવતા ઉમેર્યું કે તેઓ જિલ્લાની ગામડાઓની શાળાઓમાં પણ દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવા જાય છે જે પ્રશંશનીય છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, 2030માં આપણે કોમન વેલ્થ ગેમ્સ નું યજમાન પદ મળ્યું છે જે આપણા માટે ગૌરવની વાત છે. આવનાર સમયમાં વધુ બાળકો આ ગેમ્સ સાથે જોડાય અને દેશ માટે મેડલ જીતી દેશનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ સુ પ્રિયંકાબેન ડામોર, હિંમતનગર ધારાસભ્ય વી.ડી ઝાલા, જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સહીત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતાં.
