હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગરના સરકારી આયુષ ડોક્ટર નેહલ ગજેરાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગ, કોર્પોરેટ અફેર્સ મંત્રાલય, પબ્લિક સર્વે ગૃપ ઓફ ઈન્ડયાના સહયોગથી હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય સ્તરે તમામ રાજ્યો વચ્ચે યોજાયેલી અઘરી સ્પર્ધામાંથી પસાર થઈ ગુજરાતના એકમાત્ર ગાંધીનગર જિલ્લાના આયુષ ડોક્ટર તરીકે કાર્યરત નેહલ ગજેરાને ઇન્ડિયન ડોક્ટર પ્રાઇડ એવોર્ડ-૨૦૨૫ અને રાષ્ટ્રીય ચિકિત્સા સેવા શ્રી સન્માન એવોર્ડ-૨૦૨૫ એવા બે રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે.
આ સાથે જ હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ સંસ્થા દ્વારા તેમને આરોગ્ય ચિકિત્સામાં દર્દી સાથેના માનવીય સંવેદનશીલ વર્તન બદલ એક્સેલેન્સ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે આ એવોર્ડ આરોગ્ય ક્ષેત્રે એક્સેલન્સ બદલ એનાયત કરવામાં આવે છે. જેમાં સર્વે સંસ્થા દ્વારા ડોક્ટરોના પ્રોફાઇલ સર્વે, તેમની કામગીરીનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ તેનું સ્ક્રુટિની કરી ડેટા ફુલ ફિલિંગ માટે અરજી મંગાવવામાં આવતી હોય છે. જેમાં ત્યારબાદ પ્રશ્નોત્તરી સેશન યોજવામાં આવે છે. તમામ પરિમાણોમાં ઉત્તીર્ણ થતાં ડોક્ટરને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવે છે. નોમિનેટેડ ડોક્ટરોની પ્રોફાઇલને લોકો સુધી પહોંચાડી આ માટે વોટીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ વર્ષ આ માટેની પ્રક્રિયામાં સાત લાખથી વધુ વોટર્સ દ્વારા ડોક્ટર નેહલ ગજેરાની પ્રોફાઇલને મત આપવામાં આવ્યા હતા.
આરોગ્ય ક્ષેત્રે તેમની સેવાઓને બિરદાવતા ડોક્ટર નેહલ ગજેરાએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે,” ડોક્ટર તરીકે આરોગ્ય ક્ષેત્ર સેવાનું ક્ષેત્ર છે ત્યારે લોકોની ચિકિત્સાએ તેમને રોગથી સંપૂર્ણ મુક્ત થવામાં મદદરૂપ બને તે પ્રકારે હું તેમને આહાર વિહાર સાથે જીવનશૈલી પરિવર્તન થકી તંદુરસ્ત બનવા તરફ પ્રોત્સાહિત કરું છું. દર્દીઓના સ્વાસ્થ્યની કાળજી મારા માટે મહત્વપૂર્ણ છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મારા આ કાર્યને બિરદાવવામાં આવ્યું તે બદલ અત્યંત હર્ષ અનુભવ છું.”
અતિ પ્રતિષ્ઠિત આ એવોર્ડ મેળવનાર ડો. નેહલ ગજેરા છેલ્લા ૨૦ વર્ષથી આયુષ મેડિકલ ઓફિસર તરીકે તેમજ સોશિયલ બિહેવીયર ચેન્જ કોમ્યુનિકેટર તરીકે ગુજરાત રાજ્યમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. જેમાં તેઓ બેટી બચાવો, માતા મરણ અટકાવવા, કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ, મહિલા જનજાગૃતિ પ્રોગ્રામમાં પ્રોએકટીવલી કાર્યરત છે.
તેઓ ક્લિનિકલ રિસર્ચ સાથે ન્યૂટ્રિશન એક્સપર્ટ અને લાઈફ સ્ટાઈલ ડીસીસ જેમાં વિશેષત: ડાયાબિટીસ અને કેન્સરના દર્દીઓ માટે સતત માર્ગદર્શન સાથે ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત ડો. નેહલ અનાથ દીકરીઓને અભ્યાસમાં મદદરૂપ થવા જેવી સેવાઓમાં પણ અગ્રેસર છે.
