હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લાના તમામ વિભાગોની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન સંબંધિત વિભાગોના અધિકારીઓએ પ્રેઝન્ટેશન થકી પોતાના વિભાગ થકી દાહોદ જિલ્લાના તમામ તાલુકા વાઈઝ કરવામાં આવતી કામગીરી અંગે વિસ્તાર પૂર્વક આંકડાકીય માહિતી સાથે વિગતો રજૂ કરી હતી.
આ દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડે એ આપસી સંકલન થકી નિયમોની અંદર રહીને કામગીરી કરવા સૂચના આપી હતી. પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદારઓ એ મળીને કામગીરી કરશે તો કામગીરી કરવામાં સરળતા રહેશે એમ જણાવ્યું હતું. નાગરિકો હેલ્મેટનો ઉપયોગ કરે, એલ. ઈ. ડી. લાઈટ અને કારમાં બ્લેક ફિલ્મનો ઉપયોગ ના થાય એ માટે ભાર મુકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા, લેન્ડ ગ્રેમ્બિંગ, ડિસ્ટ્રિક્ટ રોડ એન્ડ સેફટી કમિટી, ભારતમાલા પરિયોજના, ખાણ ખનીજો, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, મહેસુલી અધિકારીઓની માસિક બેઠક, પીએમ પોષણ યોજના, અન્ન પુરવઠા વિભાગ, એસ. આઈ. આર. જેવા વિવિધ વિભાગોના અધિકારીઓએ પ્રેઝન્ટેશન થકી પોતાના વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે માહિતી રજૂ કરી હતી.
એ સાથે રેશન કાર્ડ સમયસર ઇસ્યુ થઇ જાય અને ઈ કેવાયસી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. પેન્ડિંગ કેસોનો યોગ્ય નિર્ણય લઇને ઝડપથી નિકાલ આવે તેવી તકેદારી રાખવા જણાવાયું હતું. આ બેઠક દરમ્યાન પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, પ્રાંત અધિકારી તમામ, મામલતદાર તમામ તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
