ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્રારા આયોજિત સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

પોરબંદર જિલ્લાના ખેડૂતો ખેડૂતલક્ષી યોજનાઓની જાણકારી આંગળીના ટેરવે મેળવી શકશે : જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરા

હિન્દ ન્યુઝ, પોરબંદર

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્રારા આયોજિત સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા કલેકટર કચેરી તથા જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. મોબાઇલ ખરીદીના આધાર પુરાવા રજુ કરનાર પોરબંદર જિલ્લાના ૨૦ લાભાર્થી ખેડૂતોને રૂ. ૧.૧૩ લાખ થી વધુ રકમની સહાય જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સહાય ચુકવવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરાએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, પોરબંદર જિલ્લાના ખેડૂતોને રાજ્ય સરકાર દ્રારા સ્માર્ટ ફોન ખરીદી માટે આર્થિક સહાય આપવામાં આવી છે. ખેડૂતો આ મોબાઇલના માધ્યમથી સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની જાણકારી આંગળીના ટેરવે મેળવી શકશે. જિલ્લા કલેકટર અશોક શર્માએ આ પ્રસંગે લાભાર્થી ખેડૂતોને શુભેચ્છા પાઠવી જણાવ્યું કે, ખેડૂતો સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ ખેતી માટે કરે તે ખુબજ જરૂરી છે

સ્માર્ટ ફોનના માધ્યમથી ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ પરથી વિવિધ યોજનાઓની જાણકારી મેળવી શકશે. હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ઉપદ્રવની માહિતી અને નિયંત્રણની તકનીકી સહિતની જાણકારી મેળવીને મોબાઇલનો સ્માર્ટ ઉપયોગ કરી શકાશે. જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણીએ લાભાર્થી ખેડૂતોને જણાવ્યુ કે, ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી મેળવવાની સાથે ખેડૂતો નવીનતમ ખેત પધ્ધતી વિશે વિસ્તારથી જાણકારી ઘર બેઠા મેળવી શકાશે. ખેડૂતો સહિત મહાનુભાવો તથા અધિકારીઓએ આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તથા કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમા યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળ્યુ હતુ. કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર એમ.કે જોષી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જે.એન પરમાર, નાયબ ખેતી નિયામક ગોહિલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment