શ્રી ભાંભણ પ્રાથમિક શાળામાં બાળકોની સલામતીને ધ્યાને રાખી તંત્રનું આગોતરું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ 

             બોટાદ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા સમયાંતરે નિયમિત જિલ્લાની વિવિધ શાળાઓની જિલ્લા પ્રોજેક્ટ ઈજનેર, ટેકનિકલ રિસોર્સ પર્સન અને અન્ય અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ શાળાઓની ચકાસણી કરવામાં આવે છે. જે અન્વયે ચકાસણી દરમિયાન શ્રી ભાંભણ પ્રાથમિક શાળામાં બે ઓરડામાં તિરાડ ધ્યાને આવતાં તાત્કાલિક સાવચેતીના પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    આ બાબતે રાજ્ય કક્ષાએ સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીને જાણ કરવામાં આવી હતી.જે અન્વયે રાજ્યની સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીના સિવિલ વિભાગ દ્વારા શાળાની તા.૨૦/૦૭/૨૦૨૫ ને રવિવારે રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં શાળામાં બે ઓરડાની દિવાલમાં તિરાડ જોવા મળી હતી. તેઓએ આ બંને વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને બેસાડવાની મનાઈ કરી હોઈ તેમાં બાળકોને બેસાડવામાં આવતા નહોતા.તેમજ સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી ગાંધીનગર દ્વારા તાત્કાલિક આ શાળાના રીપેરીંગની મંજૂરી આપી દેવામાં આવી હોઈ જેની રીપેરીંગની કામગીરી પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે.તેથી એ બંને રૂમમાં બાળકોને બેસાડવામાં આવતા નથી અને બાકી રહેલા નવ વર્ગખંડોમાં બાળકોને બેસાડવામાં આવે છે અને પાળી પદ્ધતિમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. જો શાળાના અન્ય ઓરડા કે કમ્પાઉન્ડ વોલમાં રીપેરીંગની જરૂરિયાત જણાશે તો તે કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.

             આમ બાળકોની સલામતિની વિશેષ કાળજી લઈ રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે. પરંતુ સાચી હકીકતની જાણકારીના અભાવે સોશિયલ મિડિયા અને કેટલાક સ્થાનિક વર્તમાન પત્રોમાં શાળામાં ઓરડા જર્જરિત હોવાના અહેવાલો પ્રકાશિત થયા છે. 

              જે અન્વયે આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ અને સામાજિક અગ્રણી પાલજીભાઈ પરમાર, શિક્ષણ સમિતિના સભ્ય પોપટભાઈ અવૈયા,ગામના સરપંચ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પ્રોજેક્ટ ઈજનેર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બોટાદને સાથે રાખી શાળાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં શાળામાં બે ઓરડાની દિવાલમાં તિરાડ જોવા મળી હતી. તેમજ તે બંને ઓરડામાં કોઈ વિદ્યાર્થીઓને બેસડામાં આવતા નથી. જયારે બાકીના અન્ય ઓરડાઓમાં બે પાળીમાં શાળાનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે. જેમાં સવારની પાળીમાં ધોરણ ૧ થી ૫, બપોરની પાળીમાં ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગામનાં સરપંચ અને અન્ય કેટલાક નાગરિકોને પૂછપરછ કરતાં શાળા દ્વારા બાળકોની સલામતીની વિશેષ કાળજી રાખવામાં આવે છે એવું જણાયેલ છે. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.                         

                    

Related posts

Leave a Comment