હિન્દ ન્યુઝ, જામનગર
પશુપાલન વ્યવસાયને વધુ આધુનિક અને નફાકારક બનાવવાના ઉમદા હેતુ સાથે પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા લાલપુર તાલુકાના હરિપર ગામે ઘંટેશ્વર મહાદેવ મંદિરે “જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં લાલપુર, કાલાવડ અને જામજોધપુર તાલુકાના કુલ ૩૦૦ જેટલા પશુપાલકો ઉત્સાહભેર સહભાગી થયા હતા.
કાર્યક્રમ સ્થળે પશુપાલન સંબંધિત વિવિધ પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેની પશુપાલકોએ રસપૂર્વક મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, જિલ્લામાં ચાલતી ‘પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી’ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. પશુપાલકો સરકારી યોજનાઓથી સતત વાકેફ રહે તે માટે પશુપાલન ખાતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફોલો કરવા પણ અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે પશુપાલકોએ પોતાના વ્યવસાયને મૂંઝવતા પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેનું તજજ્ઞો દ્વારા સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી પશુપાલકોને તેમની આવક વધારવા અને પશુપાલન વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જવા માટે અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
શિબિર દરમિયાન પશુપાલન ખાતાના તજજ્ઞો દ્વારા આધુનિક પશુપાલન પદ્ધતિઓ, પશુઓમાં રોગ નિવારણ અને પશુપાલન થકી આર્થિક સમૃદ્ધિ મેળવવા અંગે જ્ઞાનવર્ધન માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે મહાનુભાવોના હસ્તે પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ હેઠળ ૬ લાભાર્થીઓને કુલ રૂ. ૨.૭૬ લાખની સહાયની રેપ્લિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વેટરનરી કાઉન્સિલના પ્રમુખ ડો. ભગીરથ પટેલ, જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના ડો. કિરીટ પટેલ તેમજ જિલ્લા પશુપાલન અધિકારી ડો. તેજસ શુક્લા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર જિલ્લા પંચાયત સભ્ય વિનોદભાઈ વડોદરિયા, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, સભ્ય કરશનભાઈ સોચા અને હરિપરના સરપંચ તુલસીભાઈ અકબરીએ હાજર રહી પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા.
