હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ધુવાવ સ્થિત શ્રી સી. આર. મહેતા શાળા ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય વિષય ‘જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ – ૨૦૧૨’ (POCSO Act) રાખવામાં આવ્યો હતો, જેમાં ધોરણ ૯ થી ૧૨ના કુલ ૧૨૮ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં DMC દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજનાના સામાજિક ઉદ્દેશ્યો તેમજ તેના મહત્વ વિશે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી ઉપસ્થિત એડવોકેટ ડો. શીતલબેન ખેતીયાએ પોક્સો એક્ટ વિશે વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ, સહજ અને પ્રશ્નાવલી આધારિત પદ્ધતિથી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બાળકોને તેમના અધિકારો અને જાતીય ગુનાઓ સામે કાનૂની રક્ષણ કેવી રીતે મેળવવું તે બાબતે જાગૃત કર્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ ધાકુબેન, શાળાના શિક્ષકો તેમજ DHEW સ્ટાફ, DMC, GS અને OSC, VMK સ્ટાફ હાજર રહ્યો હતો. સેમિનારના અંતે સહભાગી થયેલા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ લોગોવાળા મગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
