હિન્દ ન્યુઝ, મોરબી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનાર ધોરણ-૧૦ અને ૧૨ની વાર્ષિક પરીક્ષાઓ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્વે યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં કેબિનેટ શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન વાઝા અને રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જિલ્લાના રિવ્યુ લઈ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે રીતે સુચારૂ સંચાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીએ વિશેષ સૂચના આપતા જણાવ્યું હતું કે, મોરબીમાં મચ્છુ નદી પરના પાડા પુલના રિપેરિંગની કામગીરી ચાલુ હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ ટ્રાફિકની સ્થિતિને ધ્યાને રાખી પરીક્ષા કેન્દ્ર પર થોડું વહેલા નીકળવું હિતાવહ છે. જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલે ખાતરી આપી હતી કે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પોલીસ તંત્ર પૂરતો સહયોગ આપશે અને જરૂર પડ્યે ટ્રાફિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.
નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચરે માળિયા પંથકના વિદ્યાર્થીઓ માટે એસ.ટી. નિગમને વધારાની બસ વ્યવસ્થા ગોઠવવા તથા વીજ તંત્રને પરીક્ષા દરમિયાન અવિરત વીજ પુરવઠો જાળવી રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી.
