હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
આગામી તા. ૧૨મી, એપ્રિલના રોજ છોટાઉદેપુર ખાતે આવેલા ખૂંટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજયના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં પ્રાકૃતિક કૃષિ અંગેનો કાર્યક્રમ યોજાશે. રાજયના મહામહિમ રાજયપાલની ઉપસ્થિતિમાં યોજાનારા પ્રાકૃતિક કૃષિ અંગેના આ કાર્યક્રમમાં મહામહિમ રાજયપાલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતે માર્ગદર્શન આપી પ્રાકૃતિક કૃષિના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું પણ સન્માન કરવામાં આવશે.
આગામી તા. ૧૨મી, એપ્રિલના રોજ યોજાનારા આ કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કાર્યક્રમ સૂચારૂ રીતે પાર પડે એ માટે જિલ્લા કલેકટર સુ. સ્તુતિ ચારણે બેઠક યોજીને કાર્યક્રમનું સુપેરે આયોજન તેમજ સરળ અને સફળતાપૂર્વકના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ સૂચારૂરૂપે પાર પડે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ સમિતિઓનું ગઠન પણ કરવામાં આવ્યું છે. સમિતિઓના ગઠન થકી વહીવટીતંત્રના જુદા જુદા વિભાગોને કામગીરી સુપરત કરવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને સોંપવામાં આવેલી કામગીરી ગંભીરતાથી કરવા અને સૌના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવવા માટે અધિકારીઓને ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે કાર્યક્રમના સ્થળે સભામંડપ, સ્ટેજ પરની બેઠક વ્યવસ્થા, કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર ખેડૂતોની માટેની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ અન્ય આનુષાંગિક વ્યવસ્થાઓ કરવા અંગે પણ વિગતે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર આર.કે ભગોરાએ કર્યું હતું.