હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ભારત સરકારની મિશન શક્તિ યોજના હેઠળ કાર્યરત સંકલ્પ ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન દ્વારા તા. ૦૨ સપ્ટેમ્બરથી તા. ૧૨ સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ અવેરનેસ કેમ્પેઈનનું આયોજન કરાયું છે.
જેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મવડી અને રાજીવ ગાંધી પ્રાથમિક શાળાના સહયોગથી ગત તા. ૦૫ સપ્ટેમ્બરને શુક્રવારે સેક્સ્યુઅલ અને રીપ્રોડક્ટીવ હેલ્થ વિષય આધારિત કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરાવી કેન્દ્રની કામગીરી સમજાવવી, વજન-ઊંચાઈનું માપન કરવું, સેનેટરી પેડ વિતરણ કરવા અને રીપ્રોડક્ટિવ હેલ્થ વિશે માહિતી આપવાનો હતો.
આ કાર્યક્રમમાં ડો. મણવર દ્વારા તંદુરસ્તી અંગે માર્ગદર્શન અપાયું હતું, તેમજ વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈનું માપન કરીને સહિત જરૂરી બીમારી અંગે સલાહ અપાઈ હતી, ઉપરાંત તમામને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંગે પણ માહિતગાર કરાયા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને માસિક સમયે સ્વચ્છતા રાખવા સમજૂતી આપીને કુલ ૮૦ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરાયું હતું. કુલ ૧૪૦ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.
