હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) હસ્તકના વીજ પોલો સ્થિત છે. આ વીજ પોલ પર કોઇપણ પ્રકારની પરવાનગી વગર ટેલિવિઝન નેટવર્ક કે ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ પ્રસ્થાપિત કરવામાં આવે છે. આવા કેબલ્સ સાથે જીવંત વીજ તારોના સ્પર્શના કારણે વીજ ઝટકો, આગ તથા ઘાતક અકસ્માતો જેવી ઘટનાઓ બનવાની સંભાવના રહે છે. જેના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપ, સરકારી સંપતિનું નુકસાન અને માનવીય જીવન સામે કૃત્રિમ જોખમ પેદા થાય છે. આથી આ અંગે તકેદારીના પગલાં લેવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જે મુજબ, જામનગર મહાનગરપાલિકા સહિત જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સ્થિત કોઇ પણ વીજ પોલ પર બિનઅધિકૃત રીતે ટીવી કેબલો કે અન્ય તાર જોડવા, લંબાવવા કે પ્રસ્થાપિત કરવા નહીં.પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી., જામનગર દ્વારા દૂર કરાયેલ ટીવી કેબલ કે અન્ય તારો પુન: પ્રસ્થાપિત કરવા નહીં. હાલની સ્થિતિએ બિનઅધિકૃત રીતે વીજ પોલ પર જોડણ/પ્રસ્થાપિત કરેલ કેબલ/તાર તા.૧૫ જુલાઈ સુધીમાં ફરજિયાત પણે દૂર કરવા.
આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ), ૨૦૨૩ની કલમ- ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ તેનું ટીવી કેબલ ઓપરેટરનું રજીસ્ટ્રેટન રદ્દ થવા પાત્ર રહેશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
