હિન્દ ન્યુઝ, મોરબી
પ્રાકૃતિક ખેતી એટલે કુદરતી વાતાવરણ અને નૈસર્ગિક પદ્ધતિ સાથે તાલમેલ મિલાવીને કરવામાં આવતી ખેતી. હાલ સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સતત વધી રહ્યું છે અને તેનો વ્યાપ પણ વિસ્તરી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીને ગાય આધારિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દેશી ગાય એ પાયાની જરૂરિયાત છે. દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનને જીવંત રાખવા માટે તથા તેની ફળદ્રુપતા જાળવી રાખવા માટે અસંખ્ય સૂક્ષ્મ જીવાણુંઓ અને જરૂરી પોષક તત્વોનો ખજાનો પૂરો પાડે છે.
ગૌમૂત્ર એ પાકનું જીવન ચક્ર પૂરું કરવા માટે જરૂરી તમામ પોષક તત્વોનો ભંડાર હોવાની સાથે પાકના વૃદ્ધિ અને વિકાસ માટે અત્યંત આવશ્યક હોર્મોન્સ પૂરા પાડે છે. આ ઉપરાંત ગૌમૂત્ર પાકને નુકસાન કરતા જંતુઓ, બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પણ આપે છે. બીજી તરફ, ગાયનું ગોબર એ સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે. માત્ર એક ગ્રામ ગોબરમાં જુદા જુદા પ્રકારના ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણુંઓ હોય છે, જે જમીનને અનેક પ્રકારે સમૃદ્ધ કરવાનું કામ કરે છે. ગોબર નાઇટ્રોજન ઉત્પન્ન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેમાં ફોસ્ફરસ, પોટાશ તથા સલ્ફર જેવા તત્વો ભરપૂર માત્રામાં ઉપલબ્ધ હોય છે. ગોબર પેસ્ટિસાઈડ, હેવી મેટલ અને સેન્દ્રીય પદાર્થોનું ઝડપી વિઘટન કરી જંતુઓ તથા રોગકારકોનું જૈવિક રીતે નિયંત્રણ કરવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ઘટકો બનાવી જમીનને અત્યંત ફળદ્રુપ બનાવી શકાય છે. આ સાથે જ વિવિધ પ્રકારના અસ્ત્રો તૈયાર કરીને પાકનું અસરકારક સંરક્ષણ પણ કરી શકાય છે. આ પદ્ધતિ અપનાવવાથી ખેડૂતોને બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર, હોર્મોન્સ, જંતુનાશકો કે જૈવિક દવાઓ ખરીદવાની બિલકુલ જરૂરિયાત રહેતી નથી. પરિણામે ખેતીના ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ઉત્પાદન ખર્ચ ઘટતા ખેડૂતોના નફામાં અનેકગણો વધારો થાય છે, જે છેવટે કૃષિ જગત માટે સુખદ અને સમૃદ્ધિદાયક પરિવર્તન લાવે છે. પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેડૂતો ખાતર અને જંતુનાશકોના ખર્ચમાંથી મુક્તિ મેળવી આર્થિક સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે સરકાર દ્વાર સવિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
