હિન્દ ન્યુઝ, ડાંગ
અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત સહિતના મહાનુભાવોએ ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક કાર્યક્રમનુ ઉદ્ઘાટન કર્યું હતું.
આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ‘ડાંગ દરબાર’ની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા મંત્રી શ્રી ગામિતે રાજા, રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા, ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શુરવિરતા, શૌર્યગાથા, અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ ઉમેર્યુ હતુ.
પોતાના પ્રાસંગિક વક્તવ્યમા મંત્રીએ ‘ડાંગ દરબાર’નો ઇતિહાસ વર્ણવી ડાંગના રાજવીઓને અપાતી સાલિયાણા અર્પણ કરવાની ઐતિહાસિક પ્રણાલી અદા કરવાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. મંત્રીશl ‘ડાંગ દરબાર’ના મેળામાં પ્રશાસને ઉપલબ્ધ કરાવેલી પાયાકીય સુવિધાઓનો પણ ખ્યાલ આપ્યો હતો.
‘ડાંગ દરબાર’ ની પરંપરા અનુસાર પ્રતિવર્ષ આ કાર્યક્રમમા પધારતા રાજયપાલશ્રી, આ વેળા તા.૨જી માર્ચે આહવા ખાતે પધારી, ફરી એક વાર રંગ ઉપવનના આ જ રંગમંચ ઉપર રાજવીઓનું યથોચિત સન્માન કરશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
ખૂબ જ સાદગીપૂર્ણ રહેણીકરણી ધરાવતા ડાંગ જિલ્લાના રાજવીઓની પરંપરા અને તેની ગરિમાપૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરીને, ‘ડાંગ દરબાર’ના આ ઐતિહાસિક લોકમેળાના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, ડાંગના રાજવીઓનુ પરંપરાગત સન્માન કરાયુ હતુ. પ્રત્યુત્તરમા ડાંગના રાજવીઓએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી મહાનુભાવોને ધનુષબાણ અર્પણ કરી, અભિવાદન કર્યુ હતુ. રાજવીઓ પરંપરાગત રીતે પાનસોપારી, શાલ, અને સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી.
પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં લોકસભાના નાયબ દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે ડાંગ સહિત સમગ્ર રાજ્ય અને દેશના વિકાસની રફતારનો ખ્યાલ આપી, આગામી દિવસોમાં ‘ડાંગ દરબાર’ ની ઉજવણીને વધુ ગરિમાપૂર્ણ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પટેલે વડાપ્રધાનના વિઝનનો ખ્યાલ આપી અતુલ્ય ભારતની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે, ગુજરાત અને કેન્દ્રની સરકારને કારણે વિકાસના માર્ગે અગ્રેસર થયેલા ડાંગ જિલ્લાના વિકાસ પ્રકલ્પો, આગામી દિવસમાં જિલ્લાની ગરિમા વધારશે તેમ જણાવ્યુ હતુ. ખાસ કરીને ડાંગની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે વિચારાધીન સંભવિત પ્રકલ્પોનો પણ તેમણે આ વેળા ખ્યાલ આપ્યો હતો.
દરમિયાન રાજવી પરિવારવતી વાસુર્ણાના રાજવી ધનરાજસિંહ સુર્યવંશીએ રાજ પરિવારોની લાગણી રજુ કરી, વન પર્યાવરણ જાળવણીની અપીલ કરી હતી. તેમણે રાજ પરિવાર વતી સૌ પ્રજાજનોને હોળી-ધૂળેટી (સિમગા ઉત્સવ)ની શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરતા કલેક્ટર સુ. શાલિની દુહાને સૌને ‘ડાંગ દરબાર’મા આવકારી, હોળી-ધૂળેટીના તહેવારોની શુભકામના પાઠવી હતી. ‘ડાંગ દરબાર’ના રંગારંગ ઉદ્દઘાટન સમારોહમા ઉપસ્થિત રહેલી જનમેદનીને અહી ડાંગની સાંસ્કૃતિક ઝલક રજુ કરતા ડાંગી નૃત્યો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળવા મળ્યા હતા.
‘ડાંગ દરબાર’ના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા, નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. શણગારેલી બગીઓમા નિકળેલી રાજવીઓની સવારી દરમિયાન, તેમણે પ્રજાજનોનુ અભિવાદન ઝીલ્યુ હતું.
આહવાના રંગ ઉપવન ખાતે આયોજિત ‘ડાંગ દરબાર ‘ના ઉદ્દઘાટન સમારોહના કાર્યક્રમની આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવાએ આટોપી હતી. ઉદ્દઘોષક તરીકે વિજયભાઈ ખાંભુ તથા તેમની ટીમ સેવા આપી હતી.
ઉલ્લેખનિય છે કે, ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક કાર્યક્રમ વેળા રાજવીઓ, નાયકો અને તેમના ભાઉબંધોને સન્માનિત કરાયા હતા.
‘ડાંગ દરબાર’ના ઉદ્ઘાટન કાર્યક્રમના સાક્ષી બનવા માટે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, તાલુકા પંચાયતના પ્રમુખઓ, ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઇ ગાવિત, ગુજરાત પ્રદેશ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદિપભાઈ ગરાસિયા સહિત જિલ્લા પોલીસ વડા સુ પૂજા યાદવ, પ્રાયોજના વહીવટદાર આંનદ પાટીલ, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક સર્વ મુરારીલાલ મીણા અને ધીરજ કુમાર, અધિક નિવાસી કલેક્ટર એસ.ડી.તબીયાર, પ્રાંત અધિકારી સુ. કાજલ આંબલીયા, દક્ષિણ ગુજરાત ઝોનના સંયુક્ત માહિતી નિયામક અરવિંદ મછાર સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, મહાનુભાવો, અગ્રણી નાગરિકો, વ્યકિત વિશેષ, સ્થાનિક પ્રજાજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનારા કલાકારો, મીડિયાકર્મીઓ, અને ડાંગના દરબારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
