બાળકોને કુમ કુમ તિલક કરીને શાળા પ્રવેશોત્સવ કરાવતા જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ

શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫  

હિન્દ ન્યુઝ, ભાવનગર

     સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ભાવનગરની કમળેજ પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી અને બાલવાટીકાના બાળકોનો જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને તેમજ ગાંધીનગરથી જી.સી.ઈ.આર.ટી.ના પ્રોજેક્ટ ઓફિસર ડૉ. અવનીબા મોરીની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. 

જિલ્લા કલેકટર તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડી અને બાલવાટીકાના બાળકોને કુમકુમ તિલક કરીને તેમજ ચોકલેટથી મોં મીઠું કરાવીને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

કાર્યક્રમ દરમ્યાન એન.એમ.એમ.એસ., સી.ઇ.ટી., જ્ઞાનસાધના પરીક્ષામાં તેમજ શાળામાં શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં મહાનુભાવોને પુસ્તક આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ એ જણાવ્યું હતું કે અષાઢી બીજના દિવસે કમળેજની શાળામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ એક ઉત્સવ સમાન છે. જિલ્લા કલેકટર એ પોતાનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે સરકારી શાળામાં અભ્યાસ કરીને આજે તેઓ કલેકટરની પોસ્ટ પર કાર્યરત છે. વિષમ પરિસ્થિતિમાં પણ મનોબળ મજબૂત રાખીને અભ્યાસ કરવા સલાહ આપી હતી અને બાળક, ચાલક અને પાલક નું મહત્વ સમજાવ્યું હતું. 

આ તકે જી.સી.ઈ.આર.ટી.ના પ્રોજેક્ટ ઓફિસર ડૉ. અવનીબા મોરી એ બાળકોને રોજ શાળાએ આવવાની સલાહ આપી હતી તો તેમના વાલીઓને બાળકોને દરરોજ શાળાએ મોકલવાની વિનંતી સાથે ટકોર કરી હતી. તેમણે બાળકોને અષાઢી બીજનું મહત્વ સમજાવીને જણાવ્યું હતું કે આજે જ વિધાર્થીઓ તેમના માનસ પટલમાં સંકલ્પોની વાવણી કરવા સૂચન કર્યું હતું.

આ તકે સી.આર.સી. ભાવસુખભાઈ જોશી, સરપંચ હરિભાઇ સાંગા, એસ.એમ.સી. અધ્યક્ષ રાજુભાઇ સાંગા, શાળાના પ્રિન્સિપાલ વિજય ભાઈ પુરોહિત સહિત શાળાના શિક્ષકો, વાલીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment