ધ્રોલની ઇનોવેટિવ શાળામાં ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની ઉજવણી અંતર્ગત યોગ શિબિર સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

    આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નિયામક આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, જામનગરના માર્ગદર્શન હેઠળ, તા. ૧૨-૦૬-૨૦૨૫ ના રોજ ધ્રોલની ધી ઇનોવેટિવ શાળા ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન આયુષ્માન આરોગ્ય મંદિર, મોટા ઈટાળા અને આયુષ્માન આરોગ્ય મંદિર, મેઘપર તા. જોડીયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

“યોગ સમાવેશ અને યોગા અનપ્લગ્ડ” થીમ અંતર્ગત આયોજિત આ યોગ શિબિરમાં શાળાના વિદ્યાર્થીઓને યોગાસન વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી અને તેના સ્વાસ્થ્ય લાભો સમજાવવામાં આવ્યા હતા. વર્તમાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓને રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીના ભાગરૂપે, શાળા પરિસરમાં આયુર્વેદિક રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને ઔષધના રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, ડો. જે.પી. સોનગરા અને ડો. કશ્યપ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓનું નિદાન અને સારવાર કરી આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને આયુર્વેદ અને યોગના મહત્વ વિશે વિસ્તૃત વ્યાખ્યાન પણ આપ્યું હતું.

વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી યોગા ક્વિઝ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

Leave a Comment