હિન્દ ન્યુઝ, જામનગર
તાજેતરમાં જામનગર ખાતેની સુપ્રિન્ટેડેન્ટ પોસ્ટ ઓફિસ કચેરીમાં એક હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાઇ ગયો. જે અંતર્ગત ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) દ્વારા લેવામાં આવેલી ગ્રુપ અકસ્માત જીવન વીમા પોલિસી અંતર્ગત પીઠડ ગામના સ્વર્ગસ્થ શ્રી મનસુખભાઈ ડૈયાના ધર્મપત્ની ગં.સ્વ. પાર્વતીબેન મનસુખભાઈ ડૈયાને રૂ. ૫,૦૦,૦૦૦/- નો વીમાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ ડૈયાનું જામનગર-મોરકંડા પાસે માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. તેમણે વાર્ષિક માત્ર રૂ. ૨૮૯/- નું પ્રીમિયમ ભરીને આ રૂ. ૫,૦૦,૦૦૦/- ની ગ્રુપ અકસ્માત જીવન વીમા પોલિસી લીધી હતી.
આ તકે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ચીફ મેનેજર શ્રી રોહિત ચહલ, સુપ્રિન્ટેડેન્ટ પોસ્ટ ઓફિસ જામનગર ડિવિઝન અભિજીત સિંહ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મેનેજર જામનગર બ્રાન્ચ રાહુલ દ્વિવેદી, અને આસિસ્ટન્ટ સુપ્રિન્ટેડેન્ટ જામનગર પિનાકિન શાહ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે વીમાની રકમનો ચેક સ્વર્ગસ્થના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના માધ્યમથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા સામાજિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર ઉજાગર થઈ હતી.
