હિન્દ ન્યુઝ, ભુજ
જિલ્લામાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોન તેમજ ખોટા નામે લીધેલા સીમકાર્ડના ઉપયોગનું ધ્યાનમાં આવતાં જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ કોઇ અનિચ્છિનિય બનાવ ન બને તે હેતુથી સીમકાર્ડના ખરીદ તથા વેચાણ ઉપર કાયદાકીય નિયંત્રણ લાધ્યું છે.
જાહેરનામા મુજબ કચ્છ જિલ્લામાં મોબાઇલ ફોન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ, ડીસ્ટ્રીબ્યુટરો, જથ્થાબંધ અને છૂટક વેપારીઓ, સીમકાર્ડના ખરીદ અને વેચાણ અંગે તંત્રે સૂચવ્યા મુજબનું પાલન કરવાનું રહેશે. જેમાં વેપારીઓએ સીમકાર્ડના નંબરોનું રજિસ્ટર નિભાવવાનું રહેશે. જેમાં એરિયા તેમજ જે તે નંબર જે વ્યક્તિને વેચવામાં આવ્યો હોય તેનું નામ તથા તે માટે રાખેલા દસ્તાવેજો નોંધાવવાનું રહેશે. કંપનીઓ અને વેપારીઓએ આ યાદી કંપનીના કોડ સાથેની માહિતી નજીકના પોલીસ સ્ટેશન અને પોલીસ અધિક્ષકશ્રીને આપવાની રહેશે. અને તેમાં થતાં ફેરફારની જાણ કરવાની રહેશે.
સીમકાર્ડ ખરીદવા આવનાર વ્યક્તિ જે દસ્તાવેજો આપે છે તે દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી કરવી રીટેલરની જવાબદારી હોઇ તે દસ્તાવેજો જેવા કે ફોટો આઇડી ધરાવતા દસ્તાવેજો સાથે અલગથી આપવામાં આવતા પાસપોર્ટ સાઇઝના ફોટાની સરખામણી કરવી. મોટા ભાગે દસ્તાવેજોની ખરાઇ માટે ખાનગી પેઢીઓને કોન્ટ્રાકટ સોંપવામાં આવે છે. આવા સંજોગોમાં તેવા લોકોની પુરેપુરી માહિતી સ્થાનિક પોલીસને અને મોબાઇલ કંપનીઓએ સોંપવી.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભાગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાના અને તપાસના અંતે ફરિયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.
મોબાઇલ સીમના ડીસ્ટ્રીબ્યુટરો સીમકાર્ડના વેચાણ અર્થે સીમકાર્ડ, કોઇપણ ફેરીયા કે પાનના ગલ્લાવાળાઓને આપતા હોવાનું જણાઇ આવ્યું છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. જેથી આવા સીમકાર્ડનું વેચાણ ફકત નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં શોપ એકટ હેઠળ નોંધાયેલા લાયસન્સ ધારકને જ વેચવા આપે તેવી વ્યવસ્થા કરવી. મોબાઇલ કંપનીઓએ કોઇપણ મોબાઇલ સીમકાર્ડનું એક્ટીવેશન કરતા પહેલા સીમકાર્ડ ખરીદનારે આપેલા દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ સીમકાર્ડ કાર્યાન્વિત કરવું. આ જાહેરનામું તા.૨૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.