જિલ્‍લામાં ત્રાસવાદી અને અસામાજિક પ્રવૃતિ રોકવા હોટેલ માલિકોએ તકેદારીનાં પગલાંનો અમલ કરવા કલેકટરશ્રી દ્વારા જાહેરનામું જારી કરાયું

હિન્દ ન્યુઝ, ભુજ

           રાષ્‍ટ્રીય સુરક્ષા અને જાહેર વ્‍યવસ્‍થા અને સલામતી માટે ભયજનક તત્‍વોને પકડવા કે તેમને લગતી માહિતી મેળવવા માટે તેમની હેરફેર અંગે સચોટ માહિતી પ્રાપ્‍ત થઇ શકે તે માટે કચ્છ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્‍લાની મહેસૂલીએ જિલ્‍લાની મહેસૂલી હદમાં આવેલ તમામ હોટલ, ગેસ્‍ટહાઉસ અને લોજ માલિકો માટે એક જાહેરનામું બહાર પાડી તકેદારીનાં પગલાંઓનો ચૂસ્‍તપણે અમલ કરવા જણાવ્‍યું છે.

        હોટલ, ગેસ્‍ટહાઉસ કે લોજમાં રહેવા આવનાર તમામ મુસાફરના સ્‍વહસ્‍તાક્ષરમાં નામ, સરનામું, ટેલિફોન નંબર, મોબાઇલ નંબરની વિગતો રજિસ્‍ટરમાં નોંધાવી જવાબદારોએ તેની ખાતરી કરવાની રહેશે. સાથો સાથ પુરૂષ મુસાફરના ડાબા તથા સ્‍ત્રી મુસાફરના જમણા હાથના અંગુઠાનું નિશાન લેવાનું રહેશે.

          આ ઉપરાંત મુસાફરને ફોટો ઓળખપત્ર રજૂ કરવા પડશે તથા હોટેલમાં તેની જાણકારી માટે હોટેલોએ મોટા અક્ષરનું બોર્ડ મૂકવાનું રહેશે. કાઉન્‍ટર ઉપર સી.સી.કેમેરા રાખી પ્રવાસી અને સામાન વગેરેનું વિડિયો રેકોર્ડીંગ એક માસ સુધી સાચવવાનું રહેશે. પ્રવાસી-ગેસ્‍ટના વાહનોની સંપૂર્ણ વિગતનું રજિસ્‍ટર તેમજ પાર્કિંગમાં સી.સી.કેમેરા રાખી સામાન-વાહન વિગેરેનું વિડિયો રેકોર્ડીંગ એક માસ સુધી સાચવી રાખવું પડશે.
રાષ્‍ટ્રીય હિતમાં મુસાફરના મુસાફરના ફોટો ઓળખકાર્ડ, ચૂંટણી ઓળખકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્‍સ, કચેરીનું ઓળખકાર્ડ, પાસપોર્ટ વિગેરેની સેલ્‍ફ એટેસ્‍ટેડ નકલ હોટેલના દફતરમાં અથવા કોમ્પ્યૂટરમાં સાચવી રાખવી. હોટલ, લોજ કે ગેસ્‍ટહાઉસના લાયસન્‍સ ધારક માલિક સિવાય કોઇએ હોટેલનું સંચાલન કરવું નહીં કે આવી હોટલ કોઇપણ પ્રકારના દીવાની હકક જેવા કે ભાડે ચલાવવા આપવી, ગીરોખતથી ચલાવવા આપવી નહીં.
કચ્‍છના હોટેલ, લોજ, ગેસ્‍ટહાઉસ, ધાબાના માલિક, મેનેજર અને તમામ કર્મચારીઓના નામ, સરનામાં ટેલિફોન, મોબાઈલ નંબર તથા ફોટા સહિતની વિગત દર્શાવતી લેખિત માહિતી સંબંધિત પોલીસ મથક, સબ ડીવીઝનલ મેજિસ્‍ટ્રેટ કે એકઝીકયુટીવ મેજિસ્‍ટ્રેટને ફરજિયાત આપવાની રહેશે. વિદેશી નાગરિકો, મુલાકાતી, ગેસ્‍ટ હોય તો તેમના પાસપોર્ટની સંપૂર્ણ વિગત રજિસ્‍ટરમાં નોંધવી તેમજ ‘સી’ ફોર્મ ભરાવી એલ.આઇ.બી., એસ.પી.કચેરીને જાણ કરવી તેમજ હોટલ/ગેસ્‍ટહાઉસમાં ઇન્‍ટરનેટ-વાઇફાઇ સિસ્‍ટમ કાર્યરત હોય તો તેની વિગતો રજિસ્‍ટર બનાવી સાચવી રાખવા જણાવાયું છે.

           આ જાહેરનામું તા.૨૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનારને ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment