હિન્દ ન્યુઝ, આણંદ
આજે શિક્ષક દિન એ વાત કરવી છે આણંદના મયુરભાઈ સુથારની… કે જે પોતે શિક્ષક ન હોવા છતાં પણ એક તપસ્વી શિક્ષક તરીકેની ફરજ છેલ્લા નવ વર્ષથી બજાવી રહ્યા છે અને સ્લમ વિસ્તારના બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર પણ આપી રહ્યા છે.
આણંદ ખાતેની સામાજિક પરિવર્તન અને સેવા કાર્ય માટે કાર્યરત સંસ્થા ‘આવિષ્કાર સંસ્થાન’ અને તેની સંલગ્ન ‘યુવા એકતા સમિતિ’ દ્વારા વિતેલા દાયકાથી સમાજના વંચિત વર્ગોના ઉત્થાન માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. સંસ્થાના સ્થાપક ચેરમેન અને સામાજિક-રાજકીય અગ્રણી શ્રી મયુરભાઈ સુથાર દ્વારા સામાજિક સેવા ક્ષેત્રે વધુ એક મહત્વકાંક્ષી પહેલ ‘KHOJ 2.0’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સંસ્થા દ્વારા અગાઉ #LiterateAnand, #HealthyAnand, #UnitedAnand અને #DonateYourSunday જેવા અનેક સફળ અભિયાનો ચલાવવામાં આવ્યા છે. આ અભિયાનો હેઠળ ઝૂંપડપટ્ટી અને વંચિત વિસ્તારોના અને શાળા છોડી ગયેલા બાળકોને શોધીને ફરીથી શાળાએ મોકલી શિક્ષણનો અધિકાર અપાવવામાં આવ્યો છે. ‘ખોજ – એક વિચાર’ (KHOJ – Ek Vichar) અભિયાન અંતર્ગત સ્લમ વિસ્તારના બાળકોનો સર્વાંગી વિકાસ અને સામાજિક કૌશલ્ય કેળવવાનું ઉત્કૃષ્ટ કાર્ય થયું છે.
યુવા એકતા સમિતિ દ્વારા ‘KHOJ 2.0’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ ૯ ના વિદ્યાર્થીમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખીને તેને યોગ્ય દિશા આપવાનો છે. આ કાર્યક્રમ “એક યુવાન – એક પરિવાર” ના સૂત્ર પર આધારિત છે જેમાં યુવા સ્વયંસેવકો બાળકને શિક્ષણમાં મદદરૂપ થવાની સાથે તેના સમગ્ર પરિવારના ઉત્થાન માટે પણ કાર્ય કરે છે.
આ પ્રસંગે વાતચીત કરતા સંસ્થાના સ્થાપક ચેરમેન મયુરભાઈ સુથાર એ જણાવ્યું હતું કે, “રાષ્ટ્ર નિર્માણના આ પવિત્ર કાર્યમાં સમાજના દરેક વર્ગ અને યુવાનોનો સાથ સહકાર જરૂરી છે. ભારત દેશના ઉજ્જવળ ભવિષ્ય સમાન આ બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે અમે કટિબદ્ધ છીએ.”
અત્રે ઉલ્લેખનીય છે કે મયુરભાઈ સુથાર હાલમાં કરમસદ આણંદ મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પોતાની ફરજો બજાવે છે તેમ છતાં પણ તેઓ દર રવિવારે સમય કાઢીને સ્લમ વિસ્તારના બાળકોને ભણાવવા માટે જાય છે. તે ગમે તે હોદ્દા પર પહોંચ્યા છતાં પણ સ્લમ વિસ્તારના બાળકોને નિયમિત દર રવિવારે તેમની ટીમને લઈને ભણાવવા માટે અત્યારે પણ પોતાનો સમય ફાળવે છે.
મયુરભાઈ સુથારે વધુમાં જણાવ્યું કે શિક્ષક દિન એ માત્ર શાળાના વર્ગખંડો પૂરતો સીમિત નથી, પરંતુ સમાજના દરેક એવા વ્યક્તિ કે યુવાને બિરદાવવાનો દિવસ છે જે અજ્ઞાનતાના અંધકારને દૂર કરી શિક્ષણની જ્યોત પ્રગટાવે છે. આણંદમાં ‘યુવા એકતા સમિતિ’ દ્વારા ચલાવવામાં આવતી ‘ખોજ’ (#KHOJ) અને ‘ડોનેટ યોર સન્ડે’ (#DonateYourSunday) ચળવળ આ વાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
‘એજ્યુકેટ વન, એજ્યુકેટ ભારત’ના સંકલ્પ સાથે યુવાનો દ્વારા સ્લમ વિસ્તારના બાળકોને મફતમાં શિક્ષણ, સંસ્કાર અને ટેકનોલોજીનું જ્ઞાન આપી સાચા અર્થમાં ગુરુકુળની પરંપરાને જીવંત રાખવામાં આવી રહી છે.
યુવા એકતા સમિતિની સ્થાપના વર્ષ ૨૦૧૫માં એક ભારત, અખંડ ભારત અને સાક્ષર ભારતના વિચાર સાથે થઈ હતી. આ ચળવળના સ્થાપક શ્રી મયુરભાઈ સુથાર પોતે એક સામાન્ય પરિવારમાંથી આવીને શિક્ષણના બળે આગળ વધ્યા છે. તેમણે જોયું કે ઝૂંપડપટ્ટીના બાળકોમાં અગાધ પ્રતિભા છુપાયેલી હોય છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને શિક્ષકના અભાવે તેઓ વંચિત રહી જાય છે. “પ્રતિભા ક્યારેય અદ્રશ્ય નથી હોતી, પણ તેની ‘ખોજ’ એક સારા શિક્ષક દ્વારા જ શક્ય બને છે” એ વિચાર સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
મયુરભાઈ સુથારે એક વાતચીતમાં જણાવ્યું કે કોવિડ-૧૯ મહામારી બાદ ‘ખોજ’ મિશનને વધુ તેજીથી આગળ વધારવામાં આવ્યું જે અંતર્ગત ઉત્સાહી યુવા સ્વયંસેવકો પોતાના રવિવારનો સમય ફાળવીને (Donate Your Sunday) સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. અહીં બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ વર્કશોપ અને મેન્ટરિંગ સેશન્સ દ્વારા તેમની છુપાયેલી કળા, સંગીત અને અન્ય કૌશલ્યોને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
તેમણે વધુમાં કહ્યું કે આ અનોખા શિક્ષણ મોડેલની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ છે. યુનાઇટેડ નેશન્સ (UN)ના સ્ટ્રીટ ચાઇલ્ડ એમ્બેસેડર વર્ટન મેલકોનિયન (Vartan Melkonian) જ્યારે આણંદના આ વર્ગોની મુલાકાતે આવ્યા, ત્યારે તેમણે આ કાર્યને બિરદાવતા કહ્યું હતું કે, “સાચું યુનાઇટેડ નેશન્સ તો અહીં જમીન પર કામ કરી રહ્યું છે”. તેમણે લંડન ખાતે યુએનની બેઠકમાં પણ આણંદના આ શિક્ષણ મોડેલની રજૂઆત કરી હતી. આ ઉપરાંત, વિવિધ સામાજિક અને ધાર્મિક આગેવાનોએ પણ યુવાનોના આ શિક્ષા યજ્ઞને બિરદાવ્યો છે.
આજના શિક્ષક દિને, દેશના યુવાનોને પોતાનો સમય અને જ્ઞાન જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવા આહ્વાન કરવામાં આવે છે. જ્યારે યુવાનો શિક્ષકની ભૂમિકા ભજવીને ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવીને અજ્ઞાનતામાંથી બહાર લાવશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં ‘વિશ્વગુરુ’ અને ‘નવ ભારત’ નિર્માણના પોતાના સ્વપ્નને સાકાર કરી શકશે, તેવું શ્રી મયુરભાઈ સુથારનું માનવું છે.
