હિન્દ ન્યુઝ, બોટાદ
ચોમાસામાં કોલેરા, ટાઇફોઇડ, ઝાડા-ઉલટી અને કમળો જેવાં પાણીજન્ય રોગો સામાન્ય રીતે વધુ જોવા મળે છે જે ખાસ કરીને દૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણને કારણે ફેલાય છે. આ રોગોથી બચવા માટે બોટાદ જિલ્લાનાં મુખ્ય આરોગ્ય અધિકારી ભારતીબેન ધોળકિયાએ જણાવ્યું કે હતું કે, “વ્યક્તિગત સ્વચ્છતા, પીવાનું શુધ્ધ પાણી અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન પાણીજન્ય રોગચાળાથી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલાં તો એ જરૂરી છે કે આપણે પીવાના પાણીને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવીએ. જો પાણીનો સ્ત્રોત શંકાસ્પદ હોય તો પાણીને સારી રીતે ઉકાળીને પીવો, કારણ કે ઉકાળવાથી તેમાં રહેલાં રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ થાય છે. જો ઉકાળવું શક્ય ન હોય તો ક્લોરીનયુક્ત પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે કલોરિનની ગોળીઓને લગભગ 20 લીટર પાણીમાં નાખીને અડધો કલાક સુધી મૂકીને પછી તેનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કેમિકલ સંપૂર્ણપણે ઓગળી જાય છે અને તે બેક્ટેરિયાનો નાશ કરી શકે. ગટરો અને ખાડાઓમાં સમયાંતરે પાણી એકઠું થતું હોય તેવાં વિસ્તારો જેવાં ગંદા સ્થળોને પણ સાફ કરવા જરૂરી છે. સ્થિર પાણી મચ્છરો અને સૂક્ષ્મજંતુઓ માટેનું સંવર્ધન સ્થળ બની જાય છે. નિયમિત સફાઈથી વાતાવરણ સ્વચ્છ રહે છે અને સંક્રમણ ફેલાવાની સંભાવના ઓછી થઈ જાય છે.”
આ સાથે જ ભોજનની સ્વચ્છતાનું પણ ખૂબ મહત્વ છે. ખુલ્લા, વાસી અથવા ગંદા હાથથી બનેલાં ખોરાકથી પાણીજન્ય રોગો વધે છે, તેથી તાજા, સ્વચ્છ અને ઘરે રાંધેલાં ખોરાકનું સેવન કરવું જોઈએ. ખોરાક તૈયાર કરતાં અને પીરસતાં પહેલાં હાથને સાબુ અને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોવા જોઈએ. આ ઉપરાંત ઘન કચરાના નિયમિત નિકાલ માટેની વ્યવસ્થા હોવી જોઈએ. કચરો એકઠો થવો એ માખીઓ અને અન્ય જીવાતોને ઉછેરે છે જે ખોરાક અને પાણીને ચેપ લગાવી શકે છે.
ઉપરાંત વારંવાર હાથ ધોવા ખાસ કરીને શૌચ પછી, ખોરાક રાંધતા પહેલાં અને બાળકોને ખવડાવતા પહેલાં હાથને સાબુથી અથવા રાખથી સારી રીતે ધોવા જોઈએ જે પાણીજન્ય રોગોને રોકવાનો એક સરળ પરંતુ અત્યંત અસરકારક માર્ગ છે.
ખાસ કરીને વરસાદી ઋતુમાં સ્વચ્છતા અને સતર્કતાને વિશેષ પ્રાધાન્ય આપવું જોઈએ. જો આપણે પીવાના પાણીની સલામતી, સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતા પર ધ્યાન આપીએ, તો આપણે આપણી જાતને અને આપણાં પરિવારોને પાણીજન્ય રોગચાળાથી બચાવી શકીએ છીએ.
