આણંદ જિલ્લામાં ધો. ૯ થી ધો.૧૨ માં અભ્યાસ કરતી દિકરીઓને દર મહિને મળશે શિષ્યવૃત્તિ

હિન્દ ન્યુઝ, આણંદ

    દિકરીઓ અધવચ્ચે થી શિક્ષણ છોડી ના જાય ડ્રોપઆઉટ રેશિયો ઘટે અને દીકરીઓનાં માતા-પિતા દીકરીઓને અભ્યાસ કરાવવા પ્રેરાય તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ દિકરીઓ ધોરણ ૯ માં એડમિશન લે ત્યારથી વર્ષ દરમિયાન ૧૦ મહિના શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જેમાં દર મહિને રૂપિયા ૫૦૦/- દિકરીના માતાના ખાતામાં જમા કરાવવામાં આવશે, ધોરણ ૧૦ માં પણ વર્ષ દરમિયાન ૧૦ મહિના રૂપિયા ૫૦૦/- લેખે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જ્યારે ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં રૂપિયા ૭૫૦/- લેખે ૧૦ મહિના સુધી શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ દિકરીના માતાના ખાતામાં જમા કરાવવામાં આવશે.

આણંદ જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીના જણાવ્યા અનુસાર આ યોજના અંતર્ગત ધોરણ ૯ થી ધોરણ ૧૨ સુધીના ચાર વર્ષ દરમિયાન દિકરી અભ્યાસ કરે તો દીકરીનાં માતાના ખાતામાં કુલ ૫૦ હજાર રૂપિયા જમા થશે. એટલે કે ધોરણ ૯ ના અભ્યાસ દરમિયાન ૧૦ મહિના સુધી રૂપિયા ૫૦૦/- લેખે ધોરણ ૧૦ ના અભ્યાસ દરમિયાન ૧૦ મહિના સુધી રૂપિયા ૫૦૦/- લેખે અને ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા પાસ કરે તો રૂપિયા ૧૦ હજાર, તેવી જ રીતે ધોરણ ૧૧ ના ૧૦ મહિના દરમિયાન રૂપિયા ૭૫૦/- લેખે, ધોરણ ૧૨ ના ૧૦ મહિના દરમિયાન રૂપિયા ૭૫૦/- લેખે અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા પાસ થયેથી રૂપિયા ૧૫ હજાર આપવામાં આવશે, આમ રૂપિયા ૫૦ હજાર દિકરીઓને ધોરણ ૯ થી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કરવાથી શિષ્યવૃત્તિ મળશે.

    જો કોઈ દિકરી ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા અથવા ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય તો બીજા વર્ષે પરીક્ષા આપીને પાસ થાય ત્યારે ધોરણ ૧૦ ની પરીક્ષા પાસ કરનાર દિકરી ને રૂપિયા ૧૦ હજાર અને ધોરણ ૧૨ બોડૅ ની પરીક્ષા પાસ કરનાર દિકરીને રૂપિયા ૧૫ હજાર મળવા પાત્ર થશે.

જે દિકરીઓ ધોરણ ૮ માં નોન ગ્રાન્ટેડ અથવા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય અને ધોરણ ૯ માં એડમિશન લેતો વાર્ષિક રૂપિયા ૬ લાખ સુધીની વાલીની આવક મર્યાદા હોય તો શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે. આ યોજના હેઠળ દીકરીને અન્ય કોઈપણ પ્રકારની બીજી શિષ્યવૃત્તિ મળતી હશે તો પણ આ યોજના નો લાભ મળવા પાત્ર રહેશે, જૂન ૨૦૨૪ થી જ આ યોજનાનો લાભ મળશે.

    જે દિકરીઓ હાલમાં ધોરણ -૧૦, ધોરણ -૧૧ કે ધોરણ- ૧૨ માં અભ્યાસ કરતી હશે તેવી દિકરીઓને પણ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થશે. જે દીકરીના માતા ન હોય તેવા કિસ્સામાં દીકરીના બેન્ક એકાઉન્ટમાં શિષ્યવૃત્તિની રકમ જમા કરાવવામાં આવશે.

જન ધન યોજના અંતર્ગત બોલાવવામાં આવેલ બેંક એકાઉન્ટ પણ આ યોજના હેઠળ માન્ય રહેશે. જે દિકરી શિષ્યવૃત્તિ યોજના એટલે કે નમો લક્ષ્મી યોજના હેઠળ લાભ મેળવવા માંગતી હોય તેવી દિકરીઓની શાળામાં ૮૦ % હાજરી અનિવાર્ય છે, જે ધ્યાને લેવાનું રહેશે.

   રાજ્યની કોઈપણ માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા કે સીબીએસસી બોર્ડની શાળામાં અભ્યાસ કરતી દિકરીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ ૯ થી ધોરણ ૧૨ દરમિયાન ચાર વર્ષ દર વર્ષે એટલે કે દર વર્ષના ૧૦ મહિના લેખે શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે. ચાર વર્ષ દરમિયાન એની કુલ શિષ્યવૃત્તિ ૫૦ હજાર રૂપિયા માતાના ખાતામાં જમા કરાવવામાં આવશે.

આણંદ જિલ્લાની કોઈપણ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા કે સીબીએસસી બોર્ડની શાળામાં અભ્યાસ કરતી દિકરીઓને આ યોજના હેઠળ લાભ આપવામાં ના આવતો હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, બોરસદ ચોકડી પાસે, આણંદનો સંપર્ક કરવા જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીએ જણાવ્યું છે.


Advt.

 

Related posts

Leave a Comment