હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી. (ધોરણ-૧૦), એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા આગામી તા.૨૪/૦૬/૨૦૨૪ થી તા.૦૬/૦૭/૨૦૨૪ દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં યોજાશે. જે અંતર્ગત પરીક્ષાના સુચારૂ આયોજન અને વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારીની કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચાઓ કરી કલેક્ટરએ પરીક્ષાના સફળ સંચાલન માટે જરૂરી સૂચનાઓ આપી હતી અને ખાસ અંતરિયાળ ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને એસ.ટી. બસની પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં કલેક્ટરએ પરીક્ષાસ્થળો પર કોઈ વિદ્યાર્થીઓને તાત્કાલિક આરોગ્યલક્ષી સારવારની જરૂરિયાત ઉભી થાય તો તાત્કાલિક તેમને યોગ્ય સારવાર મળી રહે તે અંગે, પરીક્ષાના સમય દરમિયાન યોગ્ય વિજપુરવઠો જળવાઈ રહે અને ગેરરીતિ વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાઓ યોજાય તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચનો કર્યા હતાં.
જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા દ્વારા સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી તેમજ પોલીસ બંદોબસ્ત સહિતની સમગ્ર પરીક્ષાલક્ષી તૈયારીઓનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદભાઈ જોશી, શિક્ષણ વિભાગ, એસટી વિભાગ, પીજીવીસીએલ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ તેમજ શાળાના આચાર્યો ઉપસ્થિત હતાં.