હિન્દ ન્યુઝ, જામનગર
મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવા માટે સૂચન કરેલ છે. જે અંતર્ગત, દરેક જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
જે અન્વયે, જામનગરમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.28 ડિસેમ્બરના રોજ યોજાશે. તે માટે, અરજદારોએ જિલ્લા કક્ષાના પોતાના પ્રશ્નો/અરજી આગામી તા.10 ડિસેમ્બર સુધીમાં જિલ્લા કલેકટર કચેરી, શરૂ સેક્શન રોડ, જામનગર- આ સરનામાં પર મોકલી આપવાના રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ મળેલા પ્રશ્નો/અરજીનો ઉક્ત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં. આ કાર્યક્રમમાં અરજી મોકલતા પૂર્વે અરજદારોએ અત્રે જણાવેલી તમામ બાબતોનું ખાસ પાલન કરવાનું રહેશે. જેમાં,
(1) લાંબા સમયથી આખરી નિકાલ ન આવતો હોવ તેવા પડતર પ્રશ્નો જ મોકલવાના રહેશે.
(2) અરજદારે જિલ્લા સ્વાગતમાં પ્રશ્નો રજૂ કરતા પૂર્વે તેમનો પ્રશ્ન જે-તે સંબંધિત તાલુકામાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માં રજૂ કરેલો હોવો જોઈએ. તાલુકા સ્વાગતમાં નિરાકરણ ન મળ્યું હોય, તો તેવા પ્રશ્નને જ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ કરવાના રહેશે.
(3) તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જો આ પૂર્વે પ્રશ્ન રજૂ કરેલો હોય, તો તે પ્રશ્નની વિગતો દર્શાવવાની રહેશે.
(4) અગાઉના કાર્યક્રમમાં રજૂ કરેલો પ્રશ્ન જો બીજી વખત રજૂ કરવામાં આવે, તો તે પ્રશ્ન ક્રમાંક, માસનું નામ સાથે 2 નકલમાં રજૂ કરવાનો રહેશે.
(5) અરજદારના પ્રશ્ન કે અરજીમાં તેમનું પૂરું નામ, પૂરું સરનામું, ફોન નંબર અને અરજીમાં તેમની સહી હોવી જોઈએ.
(6) સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં.
(7) સુનિશ્ચિત તારીખ વિત્યા પછીની, અસંદિગ્ધ, અસ્પષ્ટ રજુઆતવાળી, એક કરતા વધુ કચેરી/ વિભાગના પ્રશ્નો હોય, સુવાચ્ય ન હોય, નામ-સરનામા વગરની, વ્યક્તિગત આક્ષેપોવાળી, અરજદારનું હિત સંકળાયેલ ન હોય, કોર્ટમેટર, આંતરીક તકરાર તેમજ સેવાને લગતી કોઈપણ પ્રકારની અરજી પર કોઈપણ કાર્યવાહી થઈ શકશે નહીં.
જામનગર જિલ્લાના અરજદારોને આ તમામ બાબતોની ખાસ નોંધ લેવા માટે અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.