હિન્દ ન્યુઝ, ડાંગ
જિલ્લા વહીવટી તંત્ર ડાંગ અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સહયોગથી આયોજિત ઐતિહાસિક ડાંગ દરબાર-૨૦૨૬નું રંગેચંગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વર્ષે ૨૬ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી ચાલનારા આ મેળાના પ્રથમ દિવસે રાત્રે રંગ ઉપવન આહવા ખાતે અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ દિવસની રાત્રે સ્થાનિક ડાંગી આદિવાસી કલાકારો તેમજ અન્ય પ્રતિષ્ઠિત કલાકારો દ્વારા વિવિધ પ્રાંતો અને પ્રદેશોના નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેઓએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. ત્યારબાદ લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવે દ્વારા ગુજરાતી ગીતો અને ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. કિંજલ દવેના ઊર્જાવાન પર્ફોર્મન્સે સ્ટેજને ઝગમગાવી દીધું અને હજારોની સંખ્યામાં ઉમટેલા લોકોને નાચવા મજબૂર કરી દીધા. રંગ ઉપવનમાં એટલી ભીડ હતી કે પરિસરમાં પગ મૂકવાની જગ્યા પણ નહોતી રહી, જે આ મેળાની લોકપ્રિયતાનો પુરાવો છે.
ઉલ્લેખનીય છે કે, આહવાના આંગણે ઓયોજિત મેળામાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાના આયોજન માટે વ્યાપક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે, જેમાં પોલીસ સુરક્ષા, સ્વચ્છતા અભિયાન, જાહેર શૌચાલયો, પીવાના પાણીની વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, આદિવાસી ઉત્પાદનોના સ્ટોલ્સ, આદિવાસી વાનગીઓના સ્ટોલ્સ, પ્રદર્શનો અને આરોગ્ય શિબિરોનો સમાવેશ થાય છે.
તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ રાત્રીના સિધ્ધિ ધમાલ, પાવરી, દેરા, ડાંગી, રાઠવા, તુર, ધુમ્મર વિગેરે નૃત્યો રજુ થશે. તેમજ આગામી દિવસોમાં પણ દરરોજ સાંજે રંગ ઉપવનમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો અને સ્થાનિક કલાકારોના પર્ફોર્મન્સ રજુ કરશે.

