હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ૩ તબીબોના રિસર્ચ પેપર રાજ્યકક્ષાએ વિજેતા વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની પરિષદ “એન્યુઅલ સ્ટેટ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયન એસોસીએશન ઓફ પ્રિવેન્ટીવ એન્ડ સોશિયલ મેડિસિન (IAPSM) એન્ડ ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિયેશન (IPHA)- ગુજરાત ચેપ્ટર” તારીખ 15, 16 અને 17 માર્ચ 2023ના રોજ યોજાઈ હતી. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના 350 થી વધુ અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને તબીબી તજજ્ઞોની હાજરીમાં 120થી વધુ આરોગ્યની વિવિધ બાબતોના રિસર્ચ પેપર રજૂ થયા હતા. જેમાં વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ એમના રિસર્ચ પેપર રજૂ કર્યા હતા.
અત્રેના કોમ્યુનિટી મેડિસિન વિભાગના મદદનીશ પ્રાધ્યાપકો ડોક્ટર પ્રીતિ સોલંકી અને ડોક્ટર નેહા પટેલના રિસર્ચ પેપર રાજ્ય કક્ષાના ટોપ ટેન રિસર્ચ પેપરમાં પ્રતિષ્ઠિત “શ્રી એચ એમ પટેલ એવોર્ડ સેશન”માં સિલેક્ટ થયા હતા, જેમાંથી ડોક્ટર પ્રિતી સોલંકીને રાજ્ય કક્ષાનો દ્વિતીય પુરસ્કાર મળ્યો છે. વલસાડ જીએમઇઆરએસ મેડિકલ કોલેજના અનુસ્નાતક વિદ્યાર્થી વેદાંત દેસાઈને “નોન કોમ્યુનીકેબલ ડીસીઝ” ઓરલ પ્રેઝન્ટેશન શ્રેણી હેઠળ તૃતીય ઇનામ મળ્યું છે. સંસ્થાના ઇન્ટર્ન ડોકટર અબરાર હુસેનનું પણ રિસર્ચ પેપર ઓરલ પ્રેઝન્ટેશનની શ્રેણીમાં પસંદગી પામ્યું હતું. તમામ રિસર્ચરોને વિભાગનાં વડા ડૉ સુનિલ નાયકનું મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ, તથા કોલેજના ડીન કમલેશ શાહ દ્વારા પણ પ્રોત્સાહન મળ્યું હતું.