તરસાડીમાં સરદારબાગથી દાદરી ફળિયા સુધી ૬૦૦ મીટર લાંબા તિરંગા ધ્વજ સાથે આદિજાતિ વિકાસ મંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, માંગરોળ

        માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકા દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણીના ભાગરૂપે તરસાડીના દાદરીફળિયા ખાતે આદિવાસીના મસીહા ભગવાન બિરસા મુંડાજીની ભવ્ય પ્રતિમાનું આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે અનાવરણ તેમજ તરસાડીમાં ‘તિરંગા સર્કલ’નું ખાતમૂહુર્ત અને રૂ. ૫૦ લાખના ખર્ચે નવનિર્મિત ભગવાન બિરસા મુંડા બાળ ઉદ્યાનનું લોકાપર્ણ કરાયું હતું. સાથોસાથ તરસાડીમાં સરદારબાગથી દાદરીફળિયા સુધી ૬૦૦ મીટર લાંબા તિરંગા ધ્વજ સાથે આદિજાતિ વિકાસ મંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ જોડાયા હતા. મંત્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, તિરંગા યાત્રાએ સમગ્ર દેશને એકતાના તાંતણે જોડ્યો છે.

નગરપાલિકા દ્વારા ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું એ આદિવાસી સમાજ માટે ગૌરવભર ક્ષણ છે. શ્રી બિરસા મુંડાજીને આ પ્રકલ્પ દ્વારા ભાવસભર અંજલિનો ઉમદા પ્રયાસ છે. આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, નગરપાલિકા પ્રમુખ મીનાબેન શાહ, આદર્શ કેળવણી મંડળના પ્રમુખ રાકેશભાઈ સોલંકી, કોસંબા APMC ચેરમેન દિલીપસિંહ રાઠોડ, શાસકપક્ષના નેતા ડો.કર્મવીરસિંહ ડોડીયા, જયદિપભાઈ નાયક, હરદીપસિંહ અટોદરીયા, શૈલેષભાઈ ગાંગાણી, સમાજ અગ્રણીઓ, તરસાડીના વિવિધ સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

Related posts

Leave a Comment