આજે સિકલસેલ એનિમિયા અવેરનેસ દિવસઃ વલસાડ જિલ્લામાં સિકલસેલ ટ્રેઈટ (વાહક)ના ૬૧૨૪૩ અને સિકલ સેલ ડિસિઝ (રોગ)ના ૨૫૩૦ દર્દીઃ સૌથી વધુ ધરમપુર-કપરાડામાં

હિન્દ ન્યુઝ, વલસાડ

           સઘન કામગીરીને પગલે વર્ષ ૨૦૧૮માં ૨૬૬૬ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨ માં ૧૩૧૮ થયા – સંકલનઃ જિજ્ઞેશ સોલંકી સામાન્ય રીતે બાળકોનો જન્મદર વધે એ માટે પ્રયાસ કરાતા હોય છે પરંતુ એક એવી ગંભીર બિમારી કે જેમાં બાળકોના જન્મદરને ઘટાડવા માટે પ્રયાસ કરાઈ છે. આ બિમારી છે સિકલસેલ એનિમિયા. ૧૯ જૂન વિશ્વ સિકલસેલ એનિમિયા અવેરનેસ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આ બિમારી સૌથી વધુ આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. જેમાં પણ ખાસ કરીને આદિવાસી એવા વલસાડ જિલ્લામાં સિકલસેલના કેસ વધુ જોવા મળતા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૬માં સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરી વર્ષ ૨૦૦૭માં સિકલ સેલ સ્ક્રીનિંગ પ્રોગ્રામના પ્રોજેક્ટ માટે ૨૪.૭૬ કરોડની ગ્રાંટ મંજૂર કરી હતી. જેના થકી રાજયના ૧૪ આદિજાતિ જિલ્લામાં ૯૮ લાખ આદિવાસીઓના લોહીની તપાસ કરી સારવાર ઉપલબ્ધ કરાવી સમગ્ર દેશમાં ગુજરાતે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વારસાગત અને ગંભીર ગણાતા સિકલ સેલ ડિસીઝ અને થેલેસેમિયા મેજર બાળકોના જન્મને જ અટકાવવા માટે વલસાડ જિલ્લાએ એક કદમ આગળ ચાલી હવે સરકારી અને ખાનગી તમામ હોસ્પિટલોમાં સગર્ભા બહેનોની નિઃશુલ્ક તપાસ કરાશે. જેથી વલસાડ જિલ્લામાં સિકલસેલને અટકાવી શકાશે. સિકલસેલ એનિમિયા વારસાગત રોગ છે. જે રંગ સૂત્રની ખામીના કારણે ઉદભવે છે.વલસાડ જિલ્લામાં મુખ્યત્વે આદિવાસીઓમાં જોવા મળે છે. હાલ જિલ્લામાં સિકલ સેલ ટ્રેઈટ (વાહક)ના ૬૧૨૪૩ અને સિકલ સેલ ડિસિઝ(રોગ)ના ૨૫૩૦ દર્દીઓ છે. સૌથી વધુ ધરમપુર તાલુકામાં સિકલ સેલ વાહકના ૧૪૧૦૮ અને ડિસિઝ (રોગ)ના ૫૫૯ જ્યારે કપરાડા તાલુકામાં અનુક્રમે ૧૩૧૬૨ અને ૬૧૭ દર્દી છે. શરીરમાં સામાન્ય લાલ કણ ૯૦ થી ૧૨૦ દિવસ જીવે છે જ્યારે સિકલ સેલ ડિસિઝના લાલ કણ 30 જ દિવસ શરીરમાં જીવે છે જેના કારણે આવા દર્દીમાં લોહી ઓછુ રહે છે. જેથી છાતીમાં સતત દુઃખાવો, વારેઘડીએ અન્ય બિમારીનો ચેપ લાગવો, શરીર ફીક્કુ પડી જવુ, વારંવાર કમળો થવો, બરોળ મોટી થવી, વારંવાર તાવ આવવો, હાડકા અને જોઈન્ટમાં પુષ્કળ દુઃખાવો, પિત્તાશયમાં પથરી, આંખ અને કિડની ડેમેજ થવાની શક્યતા, શારીરિક ગ્રોથ અટકી જવો એટલે કે, ૧૫ વર્ષનું બાળક ૧૦ વર્ષ જેવુ લાગે છે. સિકલ સેલના કેસ દર વર્ષે વધવાની શક્યતા રહેલી છે. જેથી બાળકો ભોગ બનવાની અને તેનાથી મૃત્યુ પામવાની શક્યતા રહેલી છે. વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે વેરીએન્ટ એનબીએસ એચપીએલસી મશીન કાર્યરત છે. બાળકના જન્મ થયા બાદ ૩૦ દિવસમાં ન્યુ બોર્ન સ્ક્રીનીંગ થકી રોગનું વહેલુ નિદાન કરી સારવાર ચાલુ કરી શકાય છે.

છેલ્લા ૭ વર્ષમાં ૨૩૪ દર્દીનું પ્રિ-નેટલ ડાયગ્નોસીસ ટેસ્ટ કરાયા હતા. જેમાંથી ૧૯ નેગેટીવ અને ૧૮૮ માં સિકલસેલ ટ્રેઈટ(વાહક) અને ૨૭ દર્દી સિકલસેલ ડિસિઝ(રોગ) વાળા જણાયા હતા. જેમાંથી ૧૨ને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી (ગર્ભાવસ્થાને સમાપ્ત કરવુ) કરાઈ હતી. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં ગુજરાત સરકારને સિકલસેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ માટે વર્ષ ૨૦૧૧માં પ્રાઈમ મિનિસ્ટર એવોર્ડથી સન્માન કરાયું હતું. બાદમાં ગુજરાતનું આ મોડલ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં અનુકરણીય બન્યું હતું. વર્ષ ૧૯૭૮ માં ગુજરાતમાં પ્રથમવાર વલસાડમાં સિકલસેલના દર્દીનું રક્ત પરિક્ષણ કરી નિદાન કરનાર અને વલસાડ રક્તદાન કેન્દ્રના માનદ મંત્રી ડો. યઝદી ઈટાલીયાએ જણાવ્યું કે, પ્રાથમિક પરિક્ષણ, નિદાન, સારવાર, પ્રિ-નેટલ ડાયોગ્નોસીસ અને ન્યુ બોર્ન સ્ક્રીનિંગ દ્વારા વહેલું નિદાન થાય છે. સિકલસેલ અને થેલેસેમિયા રોગ ધરાવતા બાળકોનો જન્મ અટકાવવા તાજેતરમાં જ જિલ્લા વહીવટી તંત્ર અને વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા યુનિવર્સલ એન્ટીનેટલ સ્ક્રીનીંગ માટે વાપીની બાયર કંપનીના સહયોગથી સીએસઆર પ્રવૃત્તિ હેઠળ પહેલ કરવામાં આવી છે. જેનો ટૂંક સમયમાં પ્રારંભ કરી જિલ્લાની ખાનગી અને સરકારી તમામ હોસ્પિટલોમાં સગર્ભા બહેનોમાં આનુવાંશિક રોગોની મફત તપાસ કરાશે. વલસાડ જિલ્લા આરોગ્ય ખાતાના એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.મનોજ પટેલે જણાવ્યું કે, ધરમપુર સ્ટેટ હોસ્પિટલના કોમ્પ્રીહેન્સીવ સિકલસેલ ક્લિનિકમાં દર મહિનાના ચોથા ગુરૂવારે દર્દીનું નિઃશુલ્ક ચેકઅપ કરી દવા આપવામાં આવે છે. ઓપરેશન કરવા જેવુ જણાય તો સિવિલમાં રીફર કરાય છે. છેલ્લા પાંચ વર્ષમાં આ ક્લિનિકમાં ૧૪૪૨૭ દર્દીઓએ લાભ લીધો છે. વર્ષ ૨૦૧૮ માં ૨૬૬૬ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨માં ૧૩૧૮ થયા છે. જિલ્લામાં ૧૯ સિકલસેલ કાઉન્સિલરો દ્વારા દર મહિને દર્દીઓના ઘરે જઈને ફોલીક એસીડ દવા પહોંચાડવાની કાળજી રખાઈ છે. સિકલસેલ મટાડી તો ન શકાય પણ તેનો વ્યાપ ચોક્કસ અટકાવી શકાય છે માટે તમામ લોકોએ જાગૃત્તિ કેળવી ચાલો અભિગમ બદલીએ… સિકલ સેલ એનિમિયા રોકીએના સૂત્રને ચરિતાર્થ કરીએ. સિકલસેલ પી.એન.ડીટી રીપોર્ટ વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૨ અ.નં. વર્ષ પ્રિ-નેટલ ડાયગ્નોસીસ ટેસ્ટ રીઝલ્ટ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી નેગેટીવ ટ્રેઇટ (વાહક) ડીસીઝ (રોગ) ૧ ૨૦૧૫-૧૬ ૪૫ ૪ ૭ ૪ ૨ ૨ ૨૦૧૬-૧૭ ૪૨ ૩ ૩૪ ૫ ૨ ૩ ૨૦૧૭-૧૮ ૩૪ ૦ ૩૨ ૨ ૧ ૪ ૨૦૧૮-૧૯ ૬૮ ૧ ૩૬૨ ૫ ૦ ૫ ૨૦૧૯-૨૦ ૫૯ ૬ ૪૫ ૮ ૫ ૬ ૨૦૨૦-૨૧ ૦૨ ૧ ૦ ૧ ૧ ૭ ૨૦૨૧-૨૨ ૧૬ ૪ ૯ ૩ ૨ કુલ ૨૩૪ ૧૯ ૧૮૮ ૨૭ ૧૨ -૦૦૦

Related posts

Leave a Comment