હિન્દ ન્યુઝ, આણંદ
ભારતના હવામાન વિભાગે ઉનાળાની ઋતુ દરમિયાન સામાન્ય તાપમાનથી વધુની સંભાવનાને પરોક્ષ રીતે નિર્દેશિત કરી છે. તે મુજબ જૂન મહિના સુધી હિટવેવ વધુ મજબૂત અને લાંબા સમય સુધી પરિવર્તિત થઈ શકે છે. ભારે ગરમી તથા ગરમ હવા ઉત્પન્ન થાય ત્યારે તાપમાન અત્યંત ઊંચા સ્તર સુધી પહોંચે છે અથવા ગરમી અને ભેજ સાથે મળે ત્યારે હીટ સ્ટ્રોકની પરિસ્થિતી સર્જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન લુ લાગવાને કારણે ખૂબ વધી જાય છે. તેના કારણે વ્યક્તિના શરીર પર તેની વિપરીત અસરો જોવા મળે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અને મજૂરી કામ કરનાર લોકો માટે ‘લૂ’ વધુ જોખમકારક છે.
ધ્યાન આપવા લાયક લક્ષણો : હાથ પગમાં અસહ્ય દુખાવો થવો, માથામાં દુખાવો, ખૂબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચડવો, હૃદયના ધબકારા વધી જવા, પરસેવો થવો, ચામડી લાલ, સૂકી અને ગરમ થવી, ઉલટી થવી, અશક્તિ અનુભવવી, આંખો લાલ થવી તેવા લક્ષણો હીટ સ્ટ્રોકના છે.
હીટ સ્ટ્રોક અથવા ‘લૂ’થી રક્ષણ મેળવવા આટલુ કરો : ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું, ઉનાળાની ઋતુ દરમિયાન ખુલતા સફેદ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, નાના બાળકો સગર્ભા માતાઓ વૃદ્ધો તથા વ્યક્તિઓએ તડકામાં ફરવું જોઈએ નહીં., દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પ્રવાહી પીવું, શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ, ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાય અવારનવાર ભીના કપડાથી શરીર લૂછવું, ગરમીની ઋતુ દરમિયાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું, માથાનો દુખાવો-બેચેની-ચક્કર કે તાવ આવે તો તરત જ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટરની સલાહ અને સારવાર લેવી જોઇએ.
હીટ સ્ટ્રોકની સારવાર : હીટ સ્ટ્રોકના લક્ષણો જણાય તો ઈમરજન્સી હેલ્પલાઈન ૧૦૮ ઉપર કોલ કરી તાત્કાલિક સારવાર મેળવી શકાય છે. જ્યાં સુધી મેડિકલ સેવા આવે ત્યાં સુધી જે વ્યક્તિને હીટ સ્ટ્રોકના લક્ષણો જણાય તો તેમના પગ જમીનથી થોડા ઉંચા રહે અને પંખાની સીધી હવા તેમના શરીર ઉપર આવે તે રીતે તેમને સુવડાવવા, દર્દીના બગલમાં, કમર પર તથા ગળાની નીચે ભીના કપડાં/ટુવાલ/બરફ મુકવો તથા વ્યક્તિને થોડું ઠંડું સાદુ પાણી પીવડાવવું. જેનાથી દર્દીને પ્રાથમિક રાહત મળી શકે છે. પરંતુ હીટ સ્ટ્રોકની પૂરતી સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ પેટલાદ-આણંદ નો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દિપક પરમાર દ્વારા જણાવાયું છે.