વડાપ્રધાન અને મુખ્યમંત્રી એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ હેઠળ જિલ્લાની ખૂટતી કડીઓને પરિપૂર્ણ કરીને અનેકવિધ યોજનાઓના અમલ સાથે નર્મદા જિલ્લો પણ અન્ય જિલ્લાની હરોળમાં આવે તેવા પ્રયાસો થઇ રહ્યાં છે : જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ

હિન્દ ન્યુઝ, રાજપીપલા

ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌશર્વધન વિભાગના રાજય મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાયેલી બેઠકમાં સને ૨૦૨૧-૨૨ ના વર્ષ માટે ગુજરાત પેટર્ન યોજના હેઠળ કુલ રૂા.૨૪૩૮.૩૬/- લાખના ખર્ચના ૧૩૪૨ જેટલા વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ૨૩૩૭ લાભાર્થીઓ આવરી લેવાયા છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખઓ સહિત આદિજાતિ વિકાસ મંડળના અન્ય સદસ્યઓ, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ ઉપરાંત અન્ય અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી નર્મદા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રી અને મંડળના અધ્યક્ષ બચુભાઇ ખાબડે જિલ્લાની વિકાસકુચ આગળ ધપાવવા મંજુર થયેલા તમામ વિકાસ કામોને સમયસર હાથ ધરીને નિયત સમયાવધિમાં ગુણવતાયુક્ત પૂર્ણ થાય અને લક્ષિત લાભાર્થીઓને આ વિકાસકામોના ફળ સમયસર પહોંચે તે જોવાની ખાસ હિમાયત કરી હતી. જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષપદે યોજાયેલી આજની આ બેઠકમાં જિલ્લામાં પાક કૃષિ વ્યવસ્થા, પાક કૃષિ વ્યવસ્થા (બાગાયત), ભૂમી અને જળસંરક્ષણ, પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્યોધ્યોગ, વન વિકાસ, સહકાર, ગ્રામ વિકાસ, નાની સિંચાઇ, વિસ્તાર વિકાસ, વિજળીકરણ, ગ્રામ અને લઘુઉદ્યોગ, રસ્તા અને પુલો, નાગરિક પુરવઠો, સામાન્ય શિક્ષણ, તાંત્રિક શિક્ષણ, તબીબી અને જાહેર આરોગ્ય, પાણી પુરવઠા અંગે મૂડી ખર્ચ, પછાત વર્ગોનું કલ્યાણ, શ્રમ અને રોજગાર, પોષણ અને મધ્યાહન ભોજન યોજના વગેરે જેવા સદર હેઠળ જિલ્લામાં કુલ રૂા. ૨૪૩૮.૩૬/- લાખના ખર્ચના મંજુર થયેલા કુલ ૧૩૪૨ જેટલા વિકાસ કામોની તાલુકાવાર વિગતોમાં નાંદોદમાં રૂા.૬૩૯.૮૩/- લાખના ખર્ચે ૩૩૪ કામો, ગરૂડેશ્વરમાં રૂા. ૩૭૭.૪૭/- લાખના ખર્ચે ૨૫૮ વિકાસકામો, દેડીયાપાડામાં રૂા.૬૮૪.૧૭/- લાખના ખર્ચે ૩૭૮ વિકાસકામો, સાગબારામાં રૂા. ૪૭૭.૩૬/- લાખના ખર્ચે ૨૨૩ વિકાસકામો અને તિલકવાડા તાલુકામાં રૂા. ૨૫૯.૫૨/- લાખના ખર્ચે ૧૪૯ જેટલા વિકાસ કામોની મંજૂરીનો સમાવેશ થાય છે.
જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે બેઠકને અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા જણાવ્યું હતું કે, રૂા.૨૪.૩૮ કરોડનું નર્મદા જિલ્લાનું ગુજરાત પેટર્નનું બજેટ મંજૂર કરાયું છે, ત્યારે ગ્રાસરૂટ લેવલે વિકાસકામો હાથ ધરીને છેવાડાના માનવી સુધી જરૂરી સુવિધાઓ મળી રહે તેવા સૌના સહિયારા પ્રયાસો રહ્યાં છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રી એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ હેઠળ જિલ્લાની ખૂટતી કડીઓને પરિપૂર્ણ કરીને અનેકવિધ યોજનાઓના અમલ સાથે નર્મદા જિલ્લો પણ અન્ય જિલ્લાની હરોળમાં આવે તેવા પ્રયાસો થઇ રહ્યાં છે. ગત વર્ષના રૂા.૨૩.૧૧ કરોડના મંજૂર થયેલા ૧૧૭૨ વિકાસકામો પૈકી ૮૩૫ કામો પૂર્ણ થવાની સાથે ૩૨૭ કામો પ્રગતિ હેઠળ હોવાનું મંત્રી ખાબડે ઉમેર્યું હતું.
આ બેઠકમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ નર્મદા જિલ્લામાં નહેરથી સિંચાઇ સુવિધા મળતી ન હોય તેવા વિસ્તારના ખેડૂતો માટે બોર મોટર સાથે ત્રણ ફેઝ વિજળીકરણની સુવિધા મળી રહે તે માટે નાની સિંચાઇ માટે અનુદાન ફાળવાય તો આ વિસ્તારના સિંચાઇથી વંચિત ખેડૂતો માટે તે આશિર્વાદરૂપ બની રહેશે. તેવી લાગણી સાથે રચનાત્મક સૂચન કર્યુ હતુ.
બેઠકના પ્રારંભે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જિલ્લાના વિકાસકીય પ્રોજેક્ટની ઝીણવટભરી જાણકારી આપી જિલ્લાની ગત મુલાકાતની બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસકામોની દરખાસ્ત સંદર્ભે મંત્રી તરફથી રાજ્યકક્ષાએથી કરાયેલા ફોલોઅપ સાથે કરાયેલા તેના ઉકેલ બદલ ટીમ નર્મદા વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી. અંતમાં પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલે આભારદર્શન કર્યુ હતું.
આ બેઠક અગાઉ મંત્રી બચુભાઇ ખાબડે જિલ્લાના “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ અંતર્ગત રાજપીપલામાં કાલકા માતા મંદિર પાસે વસવાટ કરતાં લાભાર્થી મહિલાને આવશ્યક જીવન જરૂરી ચીજ-વસ્તુઓની કિટ્સ એનાયત કરી હતી. ત્યારબાદ રાજપીપલા કલેક્ટરાલય ખાતે તાજેતરમાં જ જિલ્લા પ્રસાશન દ્વારા ઉભી કરાયેલી વોટર કુલર સુવિધા ઉપરાંત ડ્રાઇવર લોન્જની લીધેલી મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની મંત્રીને જાણકારી આપી હતી.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

Related posts

Leave a Comment