જૂનાગઢ નજીકના ચોકી સોરઠના બે યુવાનોએ મગફળી જેવા સ્થાનિક ઉત્પાદનો નહીં પણ કાજુના બિઝનેસ પર દ્રષ્ટિપાત કર્યો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

   જૂનાગઢ નજીકના ચોકી સોરઠના બે યુવાનોએ મગફળી જેવા સ્થાનિક ઉત્પાદનો નહીં પણ કાજુના બિઝનેસ પર દ્રષ્ટિપાત કર્યો છે. ધંધા – રોજગાર માટે કંઈક નવું કરવા મથામણ કરતા આ યુવા જુગલબંધીએ કાજુના પ્રોસેસિંગ ક્ષેત્રમાં નવા સીમા ચિન્હ સ્થાપિત કર્યા છે. આજે ૩૦૦ થી વધુ લોકોને રોજગારી પૂરી પાડવાની સાથે તેમની કંપનીનુ ટર્નઓવર રૂપિયા ૪૦૦ કરોડને પાર પહોંચ્યું છે. તેમના આ બિઝનેસના વિસ્તાર માટે ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર પોલીસી ફોર એમએસએમઈ અંતર્ગત રૂપિયા ૨૫ લાખની લોન પર વ્યાજ સહાયનો લાભ મળ્યો છે.

ચોકી ખાતે ગૌતમ અકબરી અને ચંદ્રેશ દોમડીયાએ કાજુ (કેશ્યુ)ના વેલ્યુ એડિશનનું એક અનોખું સ્ટાર્ટઅપ શરૂ કરીને બે યુવાન ઉદ્યોગ સાહસિકોએ સફળતાની નવી કેડી કંડારી છે. જૂનાગઢ જિલ્લાના ચોકી ગામના ગૌતમ અકબરી અને ચંદ્રેશ દોમડીયા નામના આ બે મિત્રોએ પોતાની મહેનત, દૂરદર્શિતા અને સરકારી યોજનાઓના સહારે એક નાનકડા વ્યવસાયને કરોડોના ટર્નઓવરવાળી કંપનીમાં પરિવર્તિત કરી દીધો છે. તેમની કંપની ફ્રેશીતા ફૂડ પ્રાઇવેટ લિમિટેડ આજે કાજુ પ્રોસેસિંગના ક્ષેત્રમાં એક ચમકતું ઉદાહરણ બની ગઈ છે, જે અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે.

આ સફળતાની શરૂઆત ૨૦૧૪માં થઈ, જ્યારે ગૌતમભાઈ અને ચંદ્રેશભાઈએ માત્ર ૧૮ લાખ રૂપિયાના ઉધાર પર વ્યવસાયની પાયાની ઈંટ મુકી. ગૌતમભાઈ કહે છે કે, વર્ષ ૨૦૧૪માં અભ્યાસ પૂરો કર્યો ત્યાર પછી ૧૮ લાખ રૂપિયા ઉછીના લઈને પશ્ચિમ આફ્રિકામાં ધંધાની શરૂઆત કરી હતી. જ્યાં તેમણે રો કાજુની ખરીદીનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેઓ કહે છે કે, શરૂઆતના સમયમાં ખૂબ જ સંઘર્ષ કરેલો. આ ધંધા માટે જરૂરી સર્વે કર્યો, આફ્રીકાની ભાષા પણ શીખી. શરૂઆતમાં લોકલ કમિશનથી કામ કર્યુ હતુ. આ ઉપરાંત બેંગ્લોરમાં પણ કાજુની તમામ પ્રકારની પ્રોસેસની ટેકનીકલ સમજ, સિઝન પ્રમાણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, પ્લાન્ટ એસ્ટાબ્લિશમેન્ટ સહિતની બાબતોનું ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. 

તેમના વતન ચોકી ગામમાં કાજુના ગ્રેડિંગ, પેકિંગ, સોર્ટિંગ અને પ્રોસેસિંગ જેવા કાર્યોને આધુનિક રીતે હાથ ધરવાનું વિચાર્યું. વર્ષ ૨૦૨૧માં જૂનાગઢ જિલ્લાના ચોકી ખાતે ફ્રેશિતા ફૂડ પ્રાઇવેટ નામની કંપની શરૂ કરી વ્યવસાયને વેગ આપ્યો હતો. જૂનાગઢ વિસ્તાર મગફળી માટે પ્રખ્યાત છે, પરંતુ આ બે યુવાનોએ ઓરીજનલ કાજુ (કેશ્યુ નટ)ના વેલ્યુ એડિશન પર ધ્યાન કેન્દ્રિત કરીને એક અનોખો વિચાર અપનાવ્યો. તેઓના મતે સ્થાનિક કૃષિ ઉત્પાદનોને આધુનિક પ્રોસેસિંગ દ્વારા વધુ મૂલ્ય આપીને બજારમાં સ્પર્ધાત્મક બનાવી શકાય છે. તેમની અથાગ મહેનત અને નવીન વિચારસરણીએ તેમને આગળ વધવા પ્રેરિત કર્યા. કાજુને ગુણવત્તાયુક્ત ગ્રેડિંગ કરીને, આકર્ષક પેકિંગમાં પેક કરીને અને અદ્યતન પ્રોસેસિંગ દ્વારા તેને વધુ ટકાઉ અને માર્કેટ-રેડી બનાવીને બજારમાં પગ જમાવ્યો. તેમની કંપનીએ વર્ષ ૨૦૨૧ માં ૩૮ કરોડનું ટર્નઓવર, ૨૦૨૨ માં ૧૧૮ કરોડનું ટર્નઓવર,૨૦૨૩માં ૨૪૨ કરોડનું ટન ઓવર,૨૦૨૪ માં ૩૩૪ કરોડ અને ૨૦૨૫ માં ૪૫૦ થી ૫૦૦ કરોડના ટન ઓવર નો લક્ષ્યાંક છે. આ વૃદ્ધિ દર્શાવે છે કે કેવી રીતે એક નાનો વ્યવસાય શરૂ કરીને તેઓએ વ્યવસાયને મોટા પાયે વિસ્તાર્યો છે. તેમની કંપનીએ સ્થાનિક રોજગારી પણ વધારી છે અને કૃષિ આધારિત અર્થતંત્રને બળ આપ્યું છે. તેઓ વર્ષ દરમિયાન ૭૦ કરોડ કેશ્યુ નટનુ પ્રોસેસ કરી ભારતના વિવિધ રાજ્યોમાં ઈમ્પોર્ટ કરે છે. તેમની કંપની ઓલ ઇન્ડિયાની ટોપ ૧૦ ઈમ્પોર્ટ કંપનીઓમાં સ્થાન ધરાવે છે.ગૌતમભાઈ જણાવે છે કે કાજુનો ઉપયોગ અનેક પ્રકારમાં થાય છે. કોરોના બાદ તેનું ચલણ પણ વધ્યું છે. 

વર્ષ ૨૦૨૨માં પણ તેઓએ વ્યવસાયનું વિસ્તરણ કર્યું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી ૨૫ લાખ રૂપિયાની વધુ લોન મેળવીને મશીનરી અપગ્રેડ કરી અને ઉત્પાદન ક્ષમતા વધારી. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ની ગુજરાત શાખામાંથી લોન મેળવી, જે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઈ) અને આત્મનિર્ભર ભારત પોલિસી અંતર્ગત મળી હતી. આ વિસ્તરણે તેમના વ્યવસાયને નવી ઊંચાઈઓ આપી. આજે તેમની કંપનીમાં કાજુનું સંપૂર્ણ પ્રોસેસિંગ – ગ્રેડિંગથી લઈને પેકિંગ અને સોર્ટિંગ સુધી – આધુનિક તકનીકો સાથે કરવામાં આવે છે, જેના કારણે ઉત્પાદનની ગુણવત્તા અને માંગમાં વધારો થયો છે.

વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ સુધી ૧૩૦૦૦ મેટ્રિક ટન કેશ્યુનું તેઓએ ઈમ્પોર્ટ કર્યું છે. આ ઉપરાંત કઠોળ અને સોયાબીનનું પણ ઈમ્પોર્ટ કરવામાં આવે છે. જ્યારે આજે દરરોજ ૧૪ મેટ્રિક ટન કેશ્યુ તૈયાર કરી આખા ભારતભરમાં ઈમ્પોર્ટ કરવામાં આવી રહ્યું છે. તેમની આ ફેક્ટરીમાં અંદાજિત ૩૦૦થી વધુ લોકોને રોજગારી આપી રહ્યા છે . જેમાં ૭૦ થી ૭૫ ટકા મહિલાઓને રોજગારી આપવામાં આવી છે.

ગૌતમભાઈ અને ચંદ્રેશભાઈની આ સફર દર્શાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારી યોજનાઓના માધ્યમથી યુવાનો કેવી રીતે પોતાના સ્વપ્નોને સાકાર કરી શકે છે. ગૌતમભાઈ અને ચંદ્રેશભાઇની સફળતા ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકો માટે એક પ્રેરણાદાયી મિસાલ છે, જે દર્શાવે છે કે સોરઠની ધરતી પરથી પણ વ્યવસાયનું સ્વપ્ન સાકાર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં યોજાવા જઈ રહી છે, જેનાથી પણ સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને નવું પ્લેટફોર્મ મળશે. સાથે તેમના ઉત્પાદનોને એક વૈશ્વિક માર્કેટ મળવાની તકો ખુલશે.

Related posts

Leave a Comment