ભારતમાં પ્રથમ – લગભગ ૧૦ માળ જેટલી ઊંચી અને ૨૬ ટન વજન ધરાવતી સૌથી મોટી સૌર ડિશનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, વડોદરા

મુનિ સેવા આશ્રમમાં સૌર થર્મલ એર-કન્ડિશનિંગ સિસ્ટમનું ઐતિહાસિક લોકાર્પણ

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ટકાઉ વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું

      ગોરજ ખાતે આવેલા મુનિ સેવા આશ્રમમાં ૨૦ ડિસેમ્બરના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે ભારતની સૌપ્રથમ સૌર થર્મલ એર-કન્ડિશનિંગ સિસ્ટમનું ઔપચારિક લોકાર્પણ યોજાશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ Apar Industries ના CSR ફંડિંગથી, Rotary Club of Bombay Pier ના આર્થિક સહયોગથી અને Sunrise CSP India Pvt. Ltd.ની ટેકનોલોજીકલ કુશળતાથી સાકાર થયો છે.

આ સિસ્ટમ સૌર થર્મલ ઊર્જા અને વરાળ શોષક મશીન (VAM) આધારિત છે અને વિશ્વના સૌથી મોટા સૌર કોન્સન્ટ્રેટર BIG DISH દ્વારા સંચાલિત છે. આ ટેકનોલોજી હોસ્પિટલોમાં ઓછા ખર્ચે, પર્યાવરણમિત્ર અને સતત ઠંડક પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

૪૫ વર્ષથી વધુ સમયથી મુનિ સેવા આશ્રમ આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સેવાઓ દ્વારા ગ્રામીણ ભારતની સેવા કરી રહ્યું છે. આશ્રમે અગાઉ પણ સૌર અને બાયોમાસ આધારિત કૂલિંગ સિસ્ટમ્સ સફળતાપૂર્વક ચલાવી છે. હોસ્પિટલની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હવે નવી BIG DISH ટેકનોલોજી અપનાવવામાં આવી છે. એક ૫૦૦ ચોરસ મીટર BIG DISH ૧૦૦ પરંપરાગત ડીશનું કામ કરે છે, અને ઓછી જમીનમાં સ્થાપિત થાય છે. ૧૦૦ ટન રેફ્રિજરેશન (TR) ક્ષમતા આપે છે. હાલમાં આશ્રમમાં બે BIG DISH કાર્યરત છે, જે Kirloskar ના ૨૦૦ TR VAM ચિલર સાથે જોડાઈને સંપૂર્ણ સૌર આધારિત ઠંડક પૂરું પાડે છે.

દરેક BIG DISH લગભગ ૧૦ માળ જેટલી ઊંચી, ૨૬ ટન વજન ધરાવે છે અને સૂર્યમુખીની જેમ સૂર્યને અનુસરીને માત્ર સૌર ઊર્જાથી વરાળ ઉત્પન્ન કરે છે. આ પ્રોજેક્ટથી વીજળીનો ખર્ચ અને કાર્બન ઉત્સર્જન નોંધપાત્ર રીતે ઘટશે અને દર્દીઓને પોસાય તેવી આરોગ્ય સેવા મળશે. આગામી સમયમાં વધુ બે BIG DISH ઉમેરવાની યોજના સાથે કુલ ક્ષમતા ૪૦૦ TR સુધી વધારવાનો લક્ષ્યાંક છે, જે આ આશ્રમને ગ્રામીણ ભારતમાં ટકાઉ અને ઓછા કાર્બનવાળા આરોગ્ય માળખાનું રાષ્ટ્રીય મોડેલ બનાવશે.

Related posts

Leave a Comment