હિન્દ ન્યુઝ, ધરમપુર
જી.સી.ઈ આરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વલસાડ આયોજિત ધરમપુર તાલુકાનું બી.આર.સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ”થીમ આધારિત ધરમપુર વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ માહલા દ્વારા ખુલ્લું મૂકાયું હતું. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સી.આર. સી કક્ષાએ શ્રેષ્ઠ પસંદગી પામેલ ૬૫ કૃતિઓ બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કરી હતી.
દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં રહેલ બાળ વૈજ્ઞાનિક માનસને બહાર લાવવા માટે અને તેમને યોગ્ય પ્લેટ ફોર્મ મળે તે માટે જિલ્લા, તાલુકા અને ક્લસ્ટર કક્ષાએ આવા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનોનું આયોજન કરવામાં આવતું હોય છે. ધરમપુર તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ધરમપુર વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે,શિક્ષકોએ બાળકોમાં શિક્ષણની ભૂખ જગાડવાનું, બાળકના અંતરાત્માને જગાડવાનું કામ કરવાનું હોય છે અને શિક્ષક પોતે ઉત્સાહી,આનંદી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ ધરાવતો હોવો જોઈએ.

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના ઉદ્ઘાટક પિયુષભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વિઝન છે કે, ભારતને ૨૦૪૭ માં વિકસિત રાષ્ટ્ર બનાવવું અને ભારતને આત્મ નિર્ભર બનાવવાની વાત કરી હતી.
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગો હતા.તેમાં વિભાગ- ૧ મા બોપી પ્રાથમિક શાળા અને કેળવણી પટેલ ફળિયું પ્રાથમિક શાળાની કૃતિ શ્રેષ્ઠ કૃતિ જાહેર થઈ હતી. જ્યારે વિભાગ -૨ મા પેણધા પ્રાથમિક શાળા અને વિજયરાજમહેલરોડ પ્રાથમિક શાળા ની કૃતિ શ્રેષ્ઠ કૃતિ જાહેર થઈ હતી. વિભાગ- ૩ મા પી.એમ.શ્રી આશ્રમશાળા આસુરા અને ધામણી મૂળગામ વર્ગશાળા ની કૃતિ શ્રેષ્ઠ કૃતિ જાહેર થઈ હતી.વિભાગ -૪ મા માજી રાજબા કન્યાશાળા અને શ્રી સ્વા.ઇન્ટરનેશનલ પ્રાથમિક શાળાની કૃતિ શ્રેષ્ઠ કૃતિ જાહેર થઈ હતી. વિભાગ-૫ મા માલનપાડા પ્રાથમિક શાળા અને નાની વહિયાળ પ્રાથમિક શાળાની કૃતિ શ્રેષ્ઠ કૃતિ જાહેર થઈ હતી. આ તમામ કૃતિઓ હવે પછી જિલ્લા કક્ષાએ ધરમપુર તાલુકાનું નેતૃત્વ કરશે.

આ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુર, મનીષભાઈ પટેલ, વિજયભાઈ પાનેરિયા, ડૉ.હેમંતભાઈ પટેલ, આશા નોવેલ્ટી સ્ટોર ધરમપુર, ઓમ સોલ્યુશન શોપ ધરમપુર તથા પાયલબેન પટેલ સમાજ તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને સફળ બનાવવા માટે બી.આર.સી.કો ઓર્ડીનેટર પ્રકાશભાઈ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી કૌશરબેન કસલી દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા બ્યુરો ચીફ : મહેશ ટંડેલ


