હિન્દ ન્યુઝ, જૂનાગઢ
આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આયોજનની પૂર્વ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. આજ રોજ કલેકટર અનિલકુમાર રાણાવસીયા એ શિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે એ માટે હોટેલ અને ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓના સંચાલકો સાથે બેઠક યોજી હતી.
કલેકટરએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ માટેની તૈયારીઓ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.પરંતુ મેળામાં આવતા ભાવિકોની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં હોય છે. ખાસ કરીને બાથરૂમ, યુરીનલ સુવિધા અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે વહીવટી તંત્ર દ્વારા શિવરાત્રીના મેળા દરમિયાન હોટેલ, ગેસ્ટ હાઉસના બાથરૂમ, યુરિનલ શ્રદ્ધાળુઓને ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેનો હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. અને શિવરાત્રીના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે હોટેલ, ગેસ્ટ હાઉસ ના ટોયલેટ,બાથરૂમ આપવા માટે સહમતિ દર્શાવી હતી. કલેક્ટર અનિલ કુમાર રાણાવાસીયા એ હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકો નો આભાર પણ માન્યો હતો.
બેઠક બાદ કલેકટર એ ભવનાથ તળેટી ખાતે જરૂરી સુવિધા અને વ્યવસ્થાઓ નું નિરીક્ષણ કર્યું હતુ. ખાસ કરીને રસ્તા, સાફ-સફાઈ, પીવાના પાણીની સુવિધા,યુરીનલ, ટોયલેટ બ્લોક, સાઈન બોર્ડ લગાવવા, સહિતની પાયાની સવલતો માટે અધિકારીઓને અગ્રતા આપવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.
આ ઉપરાંત કલેકટરએ બસ ડેપો,રેલવે સ્ટેશન ની પણ મુલાકાત લીધી હતી. બસ ડેપો ખાતે શૌચાલયમાં સ્વચ્છતા જળવાઈ રહે, તેમજ રેલવે સ્ટેશન ખાતે બહારની બાજુ પણ ટોયલેટ બ્લોકની સુવિધા ઉભી કરવા જણાવ્યું હતું. બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનથી જવા આવવા માટેના રીક્ષાના રેટ ભાવિકોને દેખાય એ પ્રકારે રેટ ડિસ્પ્લે કરવા,જૂનાગઢમાં આવેલ ફરવાના સ્થળોની જાણકારી મળે તેમજ ભવનાથ રૂટ પર યોગ્ય રીતે વિવિધ સ્થળોના સાઈનબોર્ડ લાગે એ માટે અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા.
આ દરમિયાન કલેક્ટર સાથે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સુશીલકુમાર પરમાર, નાયબ કમિશનર ડી.જે. જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
