હિન્દ ન્યુઝ, જામનગર
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત જામનગર જિલ્લાની શાળાઓમાં કરવામાં આવેલા સઘન આરોગ્ય તપાસણીમાં કુલ 7,441 બાળકો વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હોવાનું નિદાન થયું હતું. જિલ્લા પંચાયત, જામનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવ્યા મુજબ, RBSK ટીમનો મુખ્ય ઉદ્દેશ ‘વહેલી તકે મુલાકાત, નિદાન અને સારવાર’ ને લક્ષમાં રાખીને બાળકોના સ્વાસ્થ્યને સુધારવાના હેતુથી ટીમ RBSK દ્વારા શાળાના તમામ બાળકોની સઘન આરોગ્ય તપાસણી કરાઈ હતી.
સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ તબક્કે કરવામા આવેલ આરોગ્ય તપાસણી દરમિયાન મળી આવેલી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં 0 થી 6 વર્ષના 236 મધ્યમ તથા અતિ કુપોષિત બાળકો અને 389 વિકાસલક્ષી વિલંબતા વાળા બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગંભીર જન્મજાત ખામીઓ પણ મળી આવી છે, જેમાં 69 જન્મજાત હૃદયની ખામી, 18 જન્મજાત ત્રાંસા કે વાંકા પગ, 14 જન્મજાત તૂટેલ હોઠ કે તાળવું, 5 ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ, 3 જન્મજાત આંખની ખામી, 2 જન્મજાત મોતિયો, 1 જન્મજાત બહેરાશ અને 1 બ્લડ કેન્સરનો કેસ સામેલ છે. આમ, કુલ 738 બાળકોમાં ગંભીર અને જન્મજાત ખામીઓનું નિદાન થયું છે.
જોકે, કુલ 7,441 બાળકોમાંથી મોટા ભાગના 6,703 બાળકો અન્ય સામાન્ય બીમારીઓથી પીડિત હતા. આ સામાન્ય બીમારીઓમાં 2,836 ચામડીની બીમારીના કેસ, 2,258 દાંતના સડાના કેસ, 907 શરદી અને ઉધરસના કેસ, અને 633 કાનમાં રસીના કેસ નોંધાયા છે.
RBSK કાર્યક્રમ અંતર્ગત, ડીલેવરી પોઈન્ટ પર જન્મેલા નવજાત શિશુનું 24 કલાકમાં સ્ક્રીનીંગ અને આંગણવાડી તથા શાળાઓના બાળકોનું વર્ષમાં બે વાર સ્ક્રીનીંગ કરવામાં આવે છે. નાની-મોટી બીમારીઓની સારવાર સ્થળ પર અથવા નજીકના સરકારી દવાખાના પર કરવામાં આવે છે, જ્યારે વધુ નિદાન કે સારવારની જરૂરિયાતવાળા બાળકોને ત્વરિત ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ, જામનગર અથવા અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે. સમગ્ર જિલ્લામાં ધ્રોલ ખાતે બે, જામજોધપુર ખાતે બે, જામનગર ગ્રામ્યમાં પાંચ, જોડિયા ખાતે એક, કાલાવડ ખાતે બે અને લાલપુર ખાતે બે મળી કુલ 14 RBSK ટીમો વાહન સાથે કાર્યરત છે, જે બાળ દર્દીઓના રેફરલ અને સમયસર ફોલોઅપની કામગીરી સુનિશ્ચિત કરે છે.
