હિન્દ ન્યુઝ, રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ, ડ્રેનેજ, વોટરવર્કસ પ્રોજેક્ટ સહિત વિવિધ વિભાગોના કુલ ₹545 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોના માધ્યમથી 709 આવાસોની ફાળવણી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યા હતા.
નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરતા અનેકવિધ વિકાસ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ‘શહેરી વિકાસ વર્ષ 2025’ કોફિટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એવી કાર્યસંસ્કૃતિ વિકસાવી છે, કે જે કામોના ખાતમુહૂર્ત અમે કરીશું, એના લોકાર્પણ પણ અમે જ કરીશું. તેમણે રાજકોટ મહાનગરપાલિકાની જળ વ્યવસ્થાપનની કામગીરીને બિરદાવી, માનનીય વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાતના શહેરોની થયેલ કાયાપલટ અંગે સૌને માહિતગાર કર્યાં હતા. તેમણે ગુણવત્તાયુક્ત વિકાસ પર ભાર મૂકવાની તેમજ પર્યાવરણપ્રિય વિકાસને વેગ આપવાની નેમ વ્યક્ત કરી, આજે મળનાર સૌ આવાસોના લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ સ્વદેશી અપનાવવાના સંદેશને જન-જન સુધી પહોંચાડવા સાથે આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
