હિન્દ ન્યુઝ, વડોદરા
ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ વડોદરા શહેર અને જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યો છે. બૂથ લેવલ ઓફિસર દ્વારા ગણતરી ફોર્મનું વિતરણ અને કલેક્શન કરવામાં આવી રહ્યું છે. કામગીરીની વિશાળતાને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને ખાસ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે.
સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝન અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લામાં તા. ૮ના રોજ બપોરના ૧૨ વાગ્યાની સ્થિતિએ ૪૫ ટકા જેટલા ફોર્મનું વિતરણ થયું છે. ફોર્મ વિતરણ, કલેક્શન અને વેરિફિકેશનની કામગીરીની વ્યાપક્તાને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા શ્રી અરુણ મહેશ બાબુની ખાસ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે.
તેમની આ નિયુક્તિને પગલે વડોદરા મહાનગરપાલિકાના કર્મયોગીઓનો પણ ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં સહયોગ લેવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરની પાંચ વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ૧૨૭૦ જેટલા બૂથ લેવલ ઓફિસરને મદદ કરવા માટે વીએમસીના કર્મયોગીઓ સહયોગ કરશે.
આ માટે વડોદરા મહાપાલિકા દ્વારા કર્મચારીઓની યાદી ચૂંટણી શાખાને પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં ચૂંટણી દ્વારા સંબંધિત કર્મચારીઓને તેમના વિધાનસભા મતવિસ્તાર ફાળવણીના આદેશ કરવામાં આવશે.
ઉક્ત કામગીરીને ધ્યાને રાખીને અરુણ મહેશ બાબુ અને ડો. અનિલ ધામેલિયા ઉપરાંત તમામ મતદાર નોંધણી અધિકારીઓની ઉપસ્થિતિમાં વડોદરા મનપાના કર્મયોગીઓનો તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બીએલઓને કેવી રીતે મદદ કરવાની છે ? તેની ટેક્નિકલ બાબતની તમામને સમજ આપવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુહાની કેલૈયા ઉપરાંત વડોદરા શહેરના નાયબ કલેક્ટરઓ જોડાયા હતા.
